Mon Aug 31 2026

Logo

લાતુરમાં લૂંટના કેસના ફરાર બે આરોપી 18 વર્ષ બાદ કર્ણાટકથી ઝડપાયા

2026-07-22 17:51:48
Author: Yogesh D. Patel
લાતુરમાં લૂંટના કેસના ફરાર બે આરોપી 18 વર્ષ બાદ કર્ણાટકથી ઝડપાયા

લાતુર: લાતુર જિલ્લામાં લૂંટના કેસમાં ફરાર બે આરોપીને 18 વર્ષ બાદ કર્ણાટકથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપીની ઓળખ શિવાજી ચંદેર પવાર અને વસંત ચંદેર પવાર તરીકે થઇ હોઇ તેઓ કર્ણાટકના બિદર જિલ્લાના બેરી તાંડાના રહેવાસી છે. પોલીસે સતત દેખરેખ અને મળેલી માહિતીને આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.

પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી અને તેની બહેન 29 ઑક્ટોબર, 2008ના રોજ નિલંગાથી મોટરસાઇકલ પર હલગરા જઇરહ્યા હતાં ત્યારે આરોપીઓએ હંગારગા પાટી નજીક રસ્તાની વચ્ચે પથ્થર મૂકી તેને બ્લોક કરી દીધો હતો અને મોટરસાઇકલ રોક્યા બાદ ફરિયાદી અને તેની બહેનના દાગીના, મોબાઇલ તથા અન્ય મતા લૂંટી લીધી હતી.

આ ઘટના બાદ ફરિયાદીએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ આરોપીઓની શોધ ચલાવી રહી હતી પણ તેમનો કોઇ પત્તો લાગતો નહોતો.

તાજેતરમાં પોલીસને આરોપીઓ વિશે માહિતી મળી હતી અને પોલીસ ટીમ તેમને પકડવા કર્ણાટક રવાના થઇ હતી. પોલીસ ટીમે બિદર જિલ્લામાંથી બંનેને તાબામાં લીધા હતા. આ કેસમાં અન્ય બે આરોપી બાલાજી ચવાણ અને મારુતિ પવાર હજી ફરાર છે. (પીટીઆઇ)