ભારત સરકારની નોડલ એજન્સી સીઈઆરટી-ઈન (CERT-In) દ્વારા એપલ (Apple)ના પ્રોડક્ટ્સ વાપરતા યુઝર્સ માટે એક અત્યંત ગંભીર અને 'હાઈ-રિસ્ક' સુરક્ષા ચેતવણી જાહેર કરવામાં આવી છે. જો તમે આઈફોન, આઈપેડ કે મેકબુક વાપરો છો, તો આ ચેતવણી વિશે જાણી લેવું ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ શું છે આ ઈમ્પોર્ટન્ટ એલર્ટ...
ડિજિટલ સુરક્ષાના ક્ષેત્રમાં એપલના ડિવાઈસ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ તાજેતરમાં સામે આવેલા અહેવાલોએ યુઝર્સની ચિંતામાં વધારો કર્યો છે. ભારત સરકારની સિક્યોરિટી એજન્સી સીઈઆરટી-ઈન (CERT-In)એ એપલની ઓપરેટિંગ સિસ્ટમમાં ગંભીર ખામીઓ શોધી કાઢી છે. આ ખામીઓને કારણે તમારા ફોનની સુરક્ષા જોખમાઈ શકે છે અને તમે સરળતાથી સ્કેમર્સના જાળમાં ફસાઈ શકો છો.
શું છે આ 'હાઈ-રિસ્ક' ચેતવણી?
સીઈઆરટી-ઈન (CERT-In)ના અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર એપલના સોફ્ટવેરમાં કેટલીક એવી ટેકનિકલ ખામીઓ રહેલી છે જેનો ફાયદો ઉઠાવીને હેકર્સ તમારા ડિવાઈસમાં ઘૂસણખોરી કરી શકે છે. આ ખામીઓ એટલી બધી ગંભીર છે કે તેનાથી યુઝર્સના અંગત ડેટા અને ડિવાઈસના નિયંત્રણ પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.
હેકર્સ કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે?
સૌથી મોટું જોખમ એ છે કે હેકર દુનિયાના કોઈપણ ખૂણે બેસીને તમારા આઈફોન કે મેકબુક પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. તમારા ડિવાઈસમાં રહેલા પર્સનલ ફોટા, ખાનગી મેસેજ, કોન્ટેક્ટ્સ અને સૌથી મહત્વની બેંકિંગ વિગતો ચોરાઈ જવાની પ્રબળ શક્યતા છે. હેકર્સ એપલના મજબૂત સિક્યોરિટી લેયર્સને તોડીને તમારા ડિવાઈસમાં જોખમી માલવેર (Malware) ઇન્સ્ટોલ કરી શકે છે, જેનાથી ડિવાઈસ કાયમી ધોરણે ડેમેજ થઈ શકે છે.
કયા ડિવાઈસ અને વર્ઝન પર છે ખતરો?
આ એલર્ટમાં લગભગ તમામ મુખ્ય એપલ ડિવાઈસનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આઈફોન અને આઈપેડ: આઈઓએસ અને આઈપેડઓએસના જૂના વર્ઝન પર ચાલતા તમામ ડિવાઈસ, મેકઓએસના જૂના વર્ઝન જેમ કે Monterey, Ventura અને Sonoma પર ચાલતા કમ્પ્યુટર્સ, એપલ વોચ, એપલ ટીવીનો સમાવેશ થાય છે.
બચવા માટે શું કરવું?
સરકારી એજન્સીએ યુઝર્સને સલાહ આપી છે કે તેઓ ઝડપથી તેમના ડિવાઈસને એપલ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ સિક્યોરિટી અપડેટથી અપડેટ કરી લે. આ સિવાય કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવાનું ટાળવું જોઈએ અને માત્ર એપલ એપ સ્ટોર પરથી જ એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવી હિતાવહ છે.