Tue Jan 27 2026

Logo

White Logo

PASSA નું ભૂત બતાવી 3 લાખની ઉઘરાણી કરનાર મરીન PSI સહિત 3 ACBની જાળમાં

4 days ago
Author: Devayat Khatana
Video

જાફરાબાદ: ભ્રષ્ટાચારને નાથવા અનેક પ્રયાસો છતાં આ ભોરિંગને હજુ સુધી નાથી શકાયો નથી. અમરેલી જિલ્લાના રાજુલા નજીક એન્ટિ કરપ્શન બ્યૂરોએ ગોઠવેલા છટકા દરમિયાન જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના PSI આર.એમ. રાધનપુરા અને પોલીસ કર્મચારી આશિષસિંહ ઝાલા વતી ₹3,00,000 ની લાંચ સ્વીકારતા વચેટિયો આરીફ રવજાણી ઝડપાયો હતો. આ લાંચિયા પોલીસ અધિકારીઓએ ફરિયાદી વિરુદ્ધ પાસા (PASSA) હેઠળ કાર્યવાહી ન કરવા તેમજ ટ્રકના અસલ કાગળોની ફાઇલ પરત કરી દેવાના બદલામાં આ તોતિંગ રકમની માંગણી કરી હતી.

ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી સામે નોંધાયેલા એક ગુનાની તપાસ PSI રાધનપુરા કરી રહ્યા હતા. તપાસ દરમિયાન ફરિયાદીને પાસાની ધમકી આપી ડરાવવામાં આવ્યા હતા અને ટ્રકના દસ્તાવેજો દબાવી રાખવામાં આવ્યા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમરેલી ACB નો સંપર્ક કર્યો હતો. ટ્રેપ દરમિયાન પોલીસ કર્મચારી આશિષસિંહ ઝાલાએ ટેલિફોનિક વાતચીત દ્વારા કન્ફર્મેશન આપ્યું હતું, જેના આધારે વચેટિયાએ રકમ સ્વીકારી હતી.

ACB ના પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી. સગર અને તેમની ટીમે સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી વચેટિયા આરીફની ધરપકડ કરી છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી PSI રાધનપુરા અને પોલીસકર્મી આશિષસિંહ ઝાલા હાલ સ્થળ પર મળી આવ્યા ન હોવાથી પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. એક જાગૃત નાગરિકની હિંમતને કારણે ભ્રષ્ટાચારી પોલીસતંત્રના વરવા ચહેરાનો પર્દાફાશ થયો હતો.