તેહરાન: અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ઈરાન પર મોટો હુમલો થવાની આશંકા છે. કારણ કે અનેક દેશોની સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. હાલ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર સંભવિત લશ્કરી હુમલાની શક્યતા વધી ગઈ છે. વિવિધ મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે આગામી થોડા કલાકમાં ઈરાન પર હુમલો થઈ શકે છે.
ઈરાન અને ઈઝરાયલની આસપાસ ફરતી વિવિધ દેશોની ફ્લાઇટ્સ રદ
ઈરાન અને ઈઝરાયલની આસપાસ ફરતી વિવિધ દેશોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઈઝરાયલ અને ઈરાન ઉપરથી વિવિધ દેશોની વાણિજ્યિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. KLM,એર ફ્રાન્સ, બ્રિટિશ એરવેઝ, લુફ્થાન્સા વગેરેએ તેલ અવીવ, દુબઈ, સાઉદી અરેબિયા અને યુએઈ ની ફ્લાઇટ્સ સ્થગિત કરી છે. સોશિયલ મીડિયા પર ઝીરો અવર્સની ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે, જેરેડ કુશનરની ઈઝરાયલ મુલાકાતને લીધે હુમલો અટક્યો છે. પરંતુ તેમના પાછા ફર્યા પછી હુમલો શક્ય માનવામાં આવી રહ્યો છે.
અમેરિકન સૈન્ય દ્વારા મધ્ય પૂર્વમાં એક મહત્વપૂર્ણ લશ્કરી દળ તૈનાત
આ અંગે મળતી માહિતી મુજબ અમેરિકન સૈન્ય દ્વારા મધ્ય પૂર્વમાં એક મહત્વપૂર્ણ લશ્કરી દળ તૈનાત કર્યું છે. યુએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ આ પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે વધારાના ટેન્કર વિમાન (KC-135 અને KC-46) અને અન્ય યુદ્ધ જહાજોએ તેમની હાજરી વધારી દીધી છે. અહેવાલો અનુસાર, યુએસ સધર્ન કમાન્ડ અને સેન્ટકોમને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ઇરાનના આંતરિક વિરોધ પર કડક વલણ અપનાવી રહ્યું છે અને તેની મિસાઇલ ક્ષમતાઓનું પુનર્નિર્માણ કરી રહ્યું છે. ઇરાને કડક ચેતવણી જાહેર કરીને જણાવ્યું હતું કે કોઈપણ હુમલાને ઓલઆઉટ વોર ગણવામાં આવશે અને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
જોકે, હજુ સુધી હુમલાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.પરંતુ પરિસ્થિતિ અત્યંત નાજુક છે. એક નાની ભૂલ પણ સંપૂર્ણ યુદ્ધમાં પરિણમી શકે છે. ઈરાનના આંતરિક સંકટ અને અમેરિકાના દબાણે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે.