Tue Jan 27 2026

Logo

White Logo

લાડકવાયાને લાયસન્સ વગર વાહન ચલાવવા આપવું પડશે મોંઘું અમદાવાદમાં સગીર ડ્રાઈવિંગના કેસમાં વિસ્ફોટક વધારો

1 week ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ શહેરમાં ઘણા વાલીઓ તેમના સગીર બાળકોને વાહન ચલાવવા આપે છે. જેના ક્યારેક જીવલેણ અકસ્માત સર્જાતા હોય છે.  અમદાવાદમાં સગીર વયના બાળકો દ્વારા વાહન ચલાવવાના કિસ્સામાં મોટો વધારો જોવા મળયો છે. મોટાભાગાના કેસમાં સગીરો રસ્તા પર બેફામ ગતિએ વાહન ચલાવતા જોવા મળે છે. શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા સતત અમલીકરણ ઝુંબેશ અને કડક દંડની કામગીરી કરવામાં આવતી હોવા છતાં પણ સામે આવેલા આંકડા વાલીઓની બેજવાબદારી દર્શાવે છે. 

શું કહે છે આંકડા

અમદાવાદ ટ્રાફિક પોલીસના આંકડા મુજબ સગીરો દ્વારા ડ્રાઇવિંગના કેસ 2024માં માત્ર 11 હતા, જે 2025માં વધીને 5,835 પર પહોંચી ગયા હતા. આ ગુના પેટે વસૂલવામાં આવેલો દંડ પણ 2024માં ₹33,000 થી વધીને બીજા વર્ષે ₹21.11 લાખ થઈ ગયો હતો.

સૂત્રોનું કહેવું છે કે આ ઉછાળો ટ્રાફિક પોલીસના સક્રિય અભિગમને કારણે પણ હોઈ શકે છે. વિભાગે શાળાઓ અને ટ્યુશન સેન્ટરો પાસે નિયમિત તપાસ હાથ ધરી હતી અને સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ કાર્યક્રમો પણ યોજ્યા હતા. સોશિયલ મીડિયાના પ્રભાવને સમજીને, પોલીસે માર્ગ સલામતી અને કાયદાના ઉલ્લંઘનના પરિણામો વિશે શિક્ષિત કરવા માટે ઓનલાઇન સંપર્ક પણ વધાર્યો છે.

કડક કાયદાકીય જોગવાઈઓ

વર્તમાન નિયમો મુજબ, જ્યારે કોઈ સગીર ટુ-વ્હીલર કે કાર ચલાવતા પકડાય છે, ત્યારે પોલીસ ભારે દંડ ફટકારે છે અને ફોજદારી કાર્યવાહી શરૂ કરે છે. સૂત્રોએ જણાવ્યું કે, સગીર ડ્રાઇવરો માત્ર પોતાનો જીવ જોખમમાં મૂકે છે એટલું જ નહીં, પરંતુ રાહદારીઓ અને અન્ય વાહનચાલકો માટે પણ ગંભીર ખતરો પેદા કરે છે.

જો અકસ્માતમાં સગીર સંડોવાયેલો હોય તો કાયદો વધુ કડક બને છે. આવા કિસ્સાઓમાં, વાહન માલિક અથવા વાલી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સગીરને વાહન ચલાવવા દેવા બદલની સજામાં ભારે દંડ, જેલની સજા અને વાહનનું  રજિસ્ટ્રેશન રદ કરવાનો સમાવેશ થાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ કાયદાનું પાલન કરાવી શકે છે અને વાહનો જપ્ત કરી શકે છે, પરંતુ અંતિમ જવાબદારી માતા-પિતાની છે.   ઘણા સગીરો મિત્રોના દબાણ હેઠળ અથવા સ્ટંટ કરવાના ઉત્સાહમાં વાહન ચલાવે છે, જેના પરિણામો ઘણીવાર જાહેર રસ્તાઓ પર જીવલેણ સાબિત થાય છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું,  જ્યારે માતા-પિતા સગીર બાળકોને વાહન સોંપે છે, ત્યારે તેઓ સુવિધા નથી આપી રહ્યા, પરંતુ વાસ્તવમાં તેઓ તેમને જીવલેણ પરિસ્થિતિઓ તરફ ધકેલી રહ્યા છે.