સૂર્યવંશીના ચાહકોનું સોશ્યલ મીડિયા પર આક્રમણઃ રવિ શાસ્ત્રી કહે છે કે વૈભવને આયરલૅન્ડમાં જ રમાડવો જોઈતો હતો
મૅન્ચેસ્ટરઃ આઇપીએલ-2026માં સૌથી વધુ 72 છગ્ગા અને 63 ચોગ્ગા સહિત હાઇએસ્ટ 776 રન બનાવનાર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને આયરલૅન્ડમાં બન્ને ટી-20માં ન રમાડવામાં આવ્યો અને બુધવારે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટી-20માં પણ ડેબ્યૂ કરવાનો મોકો ન અપાયો એટલે વૈભવના ચાહકો નારાજ તેમ જ ગુસ્સે છે. ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ રસપ્રદ ટિપ્પણી સાથે વૈભવની ફેવર કરી છે.
એક તરફ દિનેશ કાર્તિકે સંજુ સૅમસનની તરફેણમાં `તે ટી-20 વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો એ કોઈએ ન ભૂલવું જોઈએ' એવું કહ્યું છે ત્યારે બીજી તરફ ચેતેશ્વર પુજારા કહે છે કે `વૈભવને રમાડવો જ જોઈએ, પણ સંજુ સૅમસન કે અભિષેક શર્મા કે ઇશાન કિશનના ભોગે નહીં.' કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ કહે છે કે `વૈભવ હજી ઘણો નાનો છે, તેણે થોડી રાહ જોવી પડશે.'
જોકે છેલ્લી ત્રણ ટી-20માં પાંચ રન, શૂન્ય અને એક રનના નિરાશાજનક પર્ફોર્મન્સ બદલ સૅમસનને હટાવીને તેના સ્થાને વૈભવને રમાડવાની તેના ચાહકોની જોરશોરથી માગણી કરી રહ્યા છે એવામાં રવિ શાસ્ત્રી વૈભવને તાબડતોબ ડેબ્યૂનો મોકો દેવાની તરફેણમાં છે.
રવિ શાસ્ત્રીનું કહેવું છે કે `વૈભવને આયરલૅન્ડમાં જ રમાડવો જોઈતો હતો. તે એવો જોરદાર ફટકો મારે છે કે ક્યારેક બૉલ સ્ટેડિયમની છત પર ગયો હોત, કારણકે ત્યાં મેદાન નાનું હતું. મને તો લાગે છે કે ઇંગ્લૅન્ડમાં ટીમ મૅનેજમેન્ટ તેને કદાચ મોકો નહીં આપે. હું એટલું જરૂર કહીશ કે વૈભવનું બને એટલું જલદી ડેબ્યૂ થવું જોઈએ. આઇપીએલમાં તેણે બધાની ધુલાઈ કરી હતી, એકેય બોલરને નહોતો છોડ્યો.'
રવિ શાસ્ત્રીનું એવું પણ કહેવું છે કે `વૈભવ સૂર્યવંશી ટીમ ઇન્ડિયા માટે એક્સ-ફેક્ટર સાબિત થઈ શકે, કારણકે તે એટલી બધી તૂફાની શરૂઆત કરતો હોય છે જેને લીધે મિડલ ઑર્ડરના બૅટ્સમેનોને પર રાહત મળી શકે અને ટીમ મોટો સ્કોર બનાવી શકે.'
એક તરફ અભિષેક શર્માએ આયરલૅન્ડની બે અને ઇંગ્લૅન્ડની એક મળીને કુલ ત્રણ ઇનિંગ્સમાં 108 રન બનાવ્યા છે, જ્યારે સંજુ સૅમસન માત્ર છ રન બનાવી શક્યો છે. સૅમસનના સ્થાને બીજા ઓપનિંગ બૅટ્સમૅન તરીકે વૈભવને ટીમમાં ગોઠવી દેવાની માગણી વૈભવના અનેક ચાહકો તરફથી થઈ છે.
ભારતની આગામી મૅચ શનિવારે
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની બીજી મૅચ શનિવાર, ત્રીજી જુલાઈએ ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી રમાશે અને એમાં વૈભવને આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરવાની તક મળશે એવી ઘણાને આશા છે.