Thu Jul 02 2026

Logo

GEBની બેદરકારી? નવસારીમાં મહિનો પહેલા નખાયેલો વીજપોલ પડતા યુવાનનું મૃત્યુ

2026-07-02 21:42:09
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં વરસાદની પધરામણી થઈ ચૂકી છે, ત્યારે નવસારીના માંગરોળ તાલુકાના દિનોદ ગામમાં મહિના પહેલા નંખાયેલો વીજપોલ પડતા એક દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં 22 વર્ષીય યુવકનું અકાળે મૃત્યુ થયું હતું. 
કોસાડી ગામના રહેવાસી સુફિયાનભાઈ મામુજી જ્યારે પોતાના બાઈક પર કામ અર્થે પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તાની બાજુમાં આવેલો વીજપોલ અચાનક તેમના પર ધરાશાઈ થયો હતો. આ દુર્ઘટનામાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ વીજ લાઇનનું કામ માત્ર એકાદ મહિના પહેલાં જ પૂરું કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને આગેવાનોએ આ ઘટના પાછળ જીઇબી દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં નબળી ગુણવત્તા હોવાનો આક્ષેપ કર્યો હતો. 

ટૂંકા ગાળામાં જ નવો પોલ પડી જવો એ કામની ગુણવત્તા અને આયોજન સામે ગંભીર સવાલો ઉભા કરે છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

આ દુર્ઘટનાને લઈને વિસ્તારમાં ભારે શોક અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે. મૃતકના પરિવારને ન્યાય અપાવવા માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને બેદરકારી  દાખવનાર સંબંધિત વીજ વિભાગના અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી ઉઠી હતી. જો કે આ મામલે તંત્રનો સીધો સંપર્ક સાધી શકાયો નહોતો.