નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપના યુઝરનેમ ફીચર સામે આંખ લાલ કર્યા બાદ હવે સરકાર ટેલિગ્રામ સામે પગલાં લઈ શકે છે. માત્ર ટેલિગ્રામ જ નહીં પણ સિગ્નલ નામની એપ્લિકેશન ઉપર પણ એક્શિન લઈ શકે છે. આ બન્ને એપ્લિકેશન પ્લેટફોર્મ પર પહેલાથી જ યુઝરનેમ ફીચર છે. આઈટી મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર મંત્રાલયે એક નોટિસ ફટકારીને આ વિષય પર જવાબ માગી શકે છે. સરકાર એ મુદ્દો જાણવા માગે છે કે, આ ફીચરમાં યુઝરની અસલી ઓળખ કેવી રીતે સુરક્ષિત રહી શકે છે.

ક્યા મુદ્દા પર સરકારને છે આશંકા?
એ મુદ્દો પણ સરકાર સમજવા માગે છે કે, કોઈ ખોટા નામથી અથવા કોઈ બીજી ઓળખ આપીને એકાઉન્ટ ખોલી છેત્તરપિંડી કેવી રીતે ન કરી શકે. થોડા દિવસ પહેલા નીટ પેપર લીક મામલે સરકારે ટેલિગ્રામ પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો હતો. વોટ્સએપ કંપનીને નોટિસ ફટકારીને આ નવા ફીચર અંગે જવાબ માગ્યો હતો. આ ફીચરના કારણે ઓનલાઈન ફ્રોડ, ફિશિંગ, ડિજિટલ અરેસ્ટ અને ઓળખ છુપાવીને એનો ખોટો ઉપયોગ, અને ડિજિટલી પેનિક જેવા કેસ વધી શકે છે. આ સાથે સરકારે એ અંગે પણ ચિંતા વ્યક્ત કરી કે, આ ફીચરનો દૂરઉપયોગ કરીને લોકો કોઈ પણ વ્યક્તિને, કોઈ સરકારી સંસ્થાને, નાણાકીય સંસ્થાને તથા સરકારી એજન્સીઓને મળતા હોય એવા કોઈ નામ ધારણ કરીને ફ્રોડ કરી શકે છે. સરકારી અધિકારીએ એવું પણ કહ્યું કે, આ ફીચરને લઈને સાયબર માફિયાઓ આ પહેલા પણ ડિજિટલ અરેસ્ટ અને સ્કેમ જેવા કાવતરાને અંજામ આપી ચૂક્યા છે. યુઝર પ્રાયવસી માટે યુઝરનેમ ફીચર લાવવાનું પણ આયોજન હતું.આ સમગ્ર ફીચર રોલઆઉટ થાય એ પહેલા જ સરકારે આ ફીચર પર બ્રેક લગાવી દીધી છે.

સરકારે કંપનીને કર્યા સવાલ
સરકારે મેટાના આ ફીચરને રોલઆઉટ ન કરવા નોટિસ મોકલીને સમગ્ર વિષય પર ચોખવટ કરવા કહ્યું છે. આ સમગ્ર મામલે સરકાર હવે ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્લિકેશન ઉપર પણ વૉચ રાખી રહી છે. આ સમગ્ર વિષય પર વોટ્સએપ કંપનીએ કહ્યું કે, હાલમાં આ ફીચરની માત્ર નોટિફિકેશન આવી છે. કોઈ ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું નથી. હાલમાં માત્ર જે તે યુઝરનેમને રીઝર્વ કરવાનું કામ ચાલુ કર્યું છે. આ ફીચરને લઈને સરકારે કંપનીને સવાલ કર્યા છે કે, યુઝરનેમ બનાવવા માટેની પ્રક્રિયા શું છે? આમાં કોઈ સુરક્ષા છે ખરા? ખોટા અને જે તે વિભાગ કે એજન્સીને મળતા કોઈ યુઝરનેમનો ઉપયોગ થતો રોકવા માટે કોઈ સુરક્ષાના ઉપાય છે ખરા? કોઈ સરકારી સંસ્થા, સેલિબ્રિટી અથવા સામાન્ય માણસની નકલ કરીને જે એકાઉન્ટ બનેલા હોય કે એવેલેબલ હોય એના પર કોઈ બ્રેક લગાવી શકાય છે ખરા? ફરિયાદ મળશે તો આ આવા ખોટા યુઝરનેમને દૂર કરવા માટે અથવા બ્લોક કરવા માટે કોઈ પ્રક્રિયા છે ખરા? આવા કેટલાક સવાલ સામે કંપનીએ હાલ તો સ્પષ્ટતા કરી નથી. પણ નવા ફીચરને લઈને કેટલાક નોટિફિકેશનની વાત સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે.