Sat Sep 05 2026

Logo

સરકારી શાળાઓમાં બાળકો સાથે પશુઓથી પણ ખરાબ વર્તન: CJPએ રાજ્ય સરકારો પાસે માંગ્યો જવાબ

2026-08-24 20:12:33
Author: Mumbai Samachar Team
સરકારી શાળાઓમાં બાળકો સાથે પશુઓથી પણ ખરાબ વર્તન: CJPએ રાજ્ય સરકારો પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)એ સરકારી શાળાઓની સ્થિતિ અંગે ચાલી રહેલા તેના અભિયાન અંતર્ગત આજે તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને છેલ્લા પાંચ વર્ષમાં શાળાની માળખાગત સુવિધાઓ, શિક્ષકોની ખાલી જગ્યાઓ અને ભંડોળ અંગે માહિતી માંગી હતી.

સીજેપીના સ્થાપક અભિજીત દીપકેએ શિક્ષણ પ્રધાનોને લખેલ પત્રમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર સરકારી શાળાઓની જે તસ્વીરો અને વીડિયો સામે આવ્યા છે તે દર્શાવે છે કે ઘણા બાળકો પાસે આજે પણ પીવાનું પાણી, કાર્યરત શૌચાલય, યોગ્ય વર્ગખંડો અને બેન્ચ જેવી મૂળભૂત સુવિધાઓ પણ નથી.

દીપકેએ લખ્યું છે કે ભારતને સ્વતંત્ર થયાને ૮૦ વર્ષ થઇ ગયા છે...આ દેશમાં કોઇ પણ બાળકને આવી પરિસ્થિતિમાં ભણવા માટે મજબૂર કરવા જોઇએ નહીં. તેમની સાથે પ્રાણીઓ કરતાં પણ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે.

આ પત્ર સરકારી શાળાઓની સ્થિતિને લઇને સીજેપીના અભિયાનમાં વધુ એક પગલું છે. યુવા નેતૃત્વ હેઠળનું આ સંગઠન સોશિયલ મીડિયા પર જર્જરિત શાળાની ઇમારતો અને અપૂરતી સુવિધાઓનો મુદ્દો ઉઠાવી રહ્યું છે. તેમજ શિક્ષણ પર વધુ સરકારી ખર્ચ કરવાની માંગ કરી રહ્યું છે.

આ અભિયાન દરમિયાન જમીની સ્તરે અથડામણ પણ જોવા મળી રહી છે. રાજસ્થાનની એક સરકારી શાળાની તાજેતરની મુલાકાત દરમિયાન સહ-સંયોજક આશુતોષ રંકા સહિતની સીજેપીની ટીમ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. 

સીજેપીએ રાજ્યોને લખેલા પત્રોમાં હવે છેલ્લા પાંચ વર્ષમાં સમારકામ કરાયેલી સરકારી શાળાઓ અને જે શાળાઓને હજુ પણ સમારકામ અથવા નવેસરથી બનાવવાની જરૂર છે તેની માહિતી માંગી છે.