નવી દિલ્હી: ભારતમાં ખાંડ ભાવમાં અચાનક વધારા બાદ લોકો દ્વારા મોટાપાયે ખરીદી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશને ખાંડની ઉપલબ્ધતા અંગે સ્પષ્ટતા કરી છે. તેમજ કહ્યું કે ખાંડની કોઈ અછત નથી.
માગને પહોંચી વળવા ખાંડનો સ્ટોક ઉપલબ્ધ
આ અંગે સંગઠનના પ્રમુખ નીરજ શિરગાંવકરે જણાવ્યું હતું કે દેશમાં ખાંડની કોઈ અછત નથી અને પુરવઠાની સ્થિતિ યોગ્ય છે. તેમણે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન વધેલી માંગને પહોંચી વળવા માટે પૂરતો ખાંડનો સ્ટોક ઉપલબ્ધ છે.
ખાંડની સંગ્રહાખોરીથી ભાવ પર દબાણ વધ્યું
નીરજ શિરગાંવકરના મતે ખાંડના ભાવમાં તાજેતરમાં થયેલો વધારો બજારમાં ખરેખર અછતને કારણે નથી. તેમણે નોંધ્યું હતું કે હવામાન સંબંધિત પરિસ્થિતિઓને કારણે ઉત્પાદનમાં થોડો ઘટાડો થયો છે. ખાંડની સંગ્રહાખોરીથી ભાવ પર દબાણ વધ્યું છે.
હવામાનને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો
એસોસિએશને જણાવ્યું કે ઉપલબ્ધ બજાર સ્ટોક અને વર્તમાન પુરવઠો તહેવારોની મોસમની માંગને પહોંચી વળવા માટે પૂરતો છે. તેથી ખાંડની અછત અંગે ચિંતા કરવાનું કોઈ કારણ નથી.હવામાનની સ્થિતિએ ખાંડના ઉત્પાદન પર અસર કરી છે. પ્રતિકૂળ હવામાનને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. જે બજાર ભાવમાં પ્રતિબિંબિત થયો હતો.
માંગને પહોંચી વળવા માટે પૂરતો સ્ટોક
આ ઉપરાંત તહેવારો દરમિયાન ખાંડનો વપરાશ વધે છે. જેમાં મીઠાઈઓમાં તેનો ઉપયોગ વધુ થાય છે. ત્યારે એસોસિએશન પ્રમુખે ખાતરી આપી હતી કે દેશમાં આ વધતી માંગને પહોંચી વળવા માટે પૂરતો સ્ટોક છે.