Thu Jul 02 2026

Logo

બેંગલુરુમાં ISRO મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેઈલ આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

2026-07-02 18:03:27
Author: Vimal Prajapati
Article Image

બેંગલુરુઃ બેંગલુરુમાં આવેલા ઈસરોના મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બોમ્બની ધમકી મળતાની સાથે આ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ ધમકી ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવી છે. બોમ્બની ધમકી બાદ સુરક્ષા એજન્સીઓને જાણ કરી દેવામાં આવી અને આખું પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે ઈસરોના વૈજ્ઞાનિકો અને કર્મચારીઓમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો.

બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરાઈ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસરમાં તપાસ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ અંગે કોઈ જાણકારી મળી નથી. પરંતુ આ ધમકી ઈસરોના મુખ્ય કાર્યાલયને મળી હોવાથી સુરક્ષા એજન્સીઓ દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. દેશની મહત્વપૂર્ણ કડી કહી શકાય તેવા વૈજ્ઞાનિક સંસ્થાનને બોમ્બની ધમકી મળી હોવાના કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યાં છે. પરંતુ હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી તેના કારણે રાહતનો શ્વાસ લેવાયો છે. 

ઈસરો મુખ્યાલયમાં ઇમર્જન્સી પ્રોટોકોલ લાગુ

ઇસરો મુખ્યાલયને બોમ્બની ધમકી મળતી ત્યારે અધિકારીઓ દ્વારા તરત જ ઇમર્જન્સી પ્રોટોકોલ લાગુ કરી દેવામાં આવ્યો અને આખા પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ઇસરો મુખ્યાલય સાથે સાથે તેની આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. બેંગલુરુ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓને ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. કલાકો સુધી ચાલેતી તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ છતાં સુરક્ષાના ભાગરૂપે હજી પણ તપાસ ચાલી રહી છે. 

આ મેઈલ કોણે મોકલ્યો હતો?

મહત્વની વાત એ છે કે, ઈસરો જેવી સંસ્થાને બોમ્બની ધમકી મળી હોવાથી મામલો વધારે સંવેદનશીલ છે. આ મેઈલ કોણે મોકલ્યો હતો? તેની તપાસ કરવામાં માટે ઈસરોના અધિકારીઓ દ્વારા મેઈલને ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે બેંગલુરુ પોલીસે જણાવ્યું કે, દેશભરની સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાયબર સેલ ઈમેલના આઈપી એડ્રેસને ટ્રેસ કરવા અને મોકલનાર અને તેમના હેતુને ઓળખવા માટે કામ કરી રહ્યું છે. આ સાથે ઈસરોમાં સામાન્ય કામગીરી તો અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, આ ધમકી ખોટી હોઈ શકે છે, પરંતુ છતાં સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.