Mon Sep 07 2026

Logo

ઈસરોની નેશનલ રોબોટિક્સ સ્પર્ધામાં ભુજની ઝરણા પટેલ ચમકી: નિરમા યુનિવર્સિટીની 'ટીમ એરો' દેશભરમાં પ્રથમ, રૂ.૧૦ લાખનું ઈનામ જીત્યું

2026-08-31 12:20:00
Author: Mumbai Samachar Team
ઈસરોની નેશનલ રોબોટિક્સ સ્પર્ધામાં ભુજની ઝરણા પટેલ ચમકી: નિરમા યુનિવર્સિટીની 'ટીમ એરો' દેશભરમાં પ્રથમ, રૂ.૧૦ લાખનું ઈનામ જીત્યું

ભુજ: 'ઈસરો' દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રોબોટિક્સ કોમ્પિટિશન ‘આઈ રોક યુ-૨૦૨૬’ માં ભુજની તેજસ્વી વિદ્યાર્થિની ઝરણા પટેલના સક્રિય યોગદાનવાળી નિરમા યુનિવર્સિટીની ‘ટીમ એરો’એ દેશભરમાં પ્રથમ સ્થાન મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

બેંગ્લુરુ ખાતે યુ.આર. રાવ સેટેલાઈટ સેન્ટર દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં આઈઆઈટી અને એનઆઈટી જેવી દેશની ૫૯૦ મોખરાની સંસ્થાઓની ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ મિશનમાં પસંદ થયેલી ૨૦ ટીમો પૈકી ‘ટીમ એરો’એ બાજી મારી હતી. માનવ મદદ વગર કાર્ય કરી શકે તેવા સંપૂર્ણ સ્વાયત્ત (ઓટોનોમસ) ડ્રોન મિશનની જટિલ કામગીરી માટે ૪૫ મિનિટનો સમય અપાયો હતો, જેને ઝરણા અને તેની ટીમે એઆઈ અને ઈમેજ પ્રોસેસિંગના આધારે માત્ર ૪ મિનિટમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી રાષ્ટ્રીય ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું હતું.

નેશનલ સ્પેસ ડે નિમિત્તે અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત, રાજ્યના પ્રધાન અર્જુન મોઢવાડિયા, ઈસરોના ચેરમેન ડો. વી. નારાયણન અને ભાવિ ગગનયાત્રી શુભાંશુ શુક્લાની ઉપસ્થિતિમાં ટીમ એરોને રૂપિયા ૧૦ લાખનું રોકડ ઈનામ અને એવોર્ડ એનાયત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ભુજના આર્મી કેન્ટ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરનાર ઝરણા હાલ નિરમા યુનિવર્સિટીમાં બી.ટેક. ઈસીના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેના પિતા બેંક ઓફ બરોડા, પાટણમાં ચીફ મેનેજર અને માતા આઈટીઆઈ ભુજ ખાતે સુપરવાઈઝરી ઈન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવે છે.

ઉત્સવ વૈદ્ય