Mon Aug 31 2026

Logo

ડીઆરઆઇનું ‘ઑપરેશન મિડનાઇટ ગોલ્ડસ્ટ્રાઇક’: 10.75 કરોડનું સોનું જપ્ત

2026-08-31 10:01:00
Author: Yogesh D. Patel
ડીઆરઆઇનું ‘ઑપરેશન મિડનાઇટ ગોલ્ડસ્ટ્રાઇક’: 10.75 કરોડનું સોનું જપ્ત

પાંચ બાંગ્લાદેશી પ્રવાસી અને એરપોર્ટ સ્ટાફ મેમ્બરની ધરપકડ

મુંબઈ: ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) ‘ઑપરેશન મિડનાઇટ ગોલ્ડસ્ટ્રાઇક’ હાથ ધરી સોનાની દાણચોરીના આંતરરાષ્ટ્રીય રૅકેટનો પર્દાફાશ કર્યો હતો અને તેમાં સામે એરપોર્ટ સ્ટાફ મેમ્બર તથા પાંચ બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરીને 10.75 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતુંં, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ડીઆરઆઇના મુંબઇ ઝોનલ યુનિટની ટીમે ચોક્કસ માહિતીને આધારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ થકી વિદેશી મૂળના સોનાની દાણચોરીમાં સંડોવાયેલી સુસંગઠિત સિન્ડિકેટને ઉઘાડી પાડી હતી, જેમાં દુબઇ, બેંગકોક અને માલે વાયા મુંબઈ વચ્ચે પ્રવાસ કરનારા પાંચ ટ્રાન્ઝિટ પ્રવાસી અને એરપોર્ટ સ્ટાફ મેમ્બરનો સમાવેશ હતો.

ડીઆરઆઇના અધિકારીઓએ શનિવારે મધરાતે હાથ ધરેલા ઑપરેશન મિડનાઇટ ગોલ્ડસ્ટાઇકના ભાગરૂપે મીણના સ્વરૂપમાં ગોલ્ડ ડસ્ટ ધરાવતી સાત કૅપ્સ્યૂલ્સ સાથે એરપોર્ટની બહાર નીકળી રહેલા સ્ટાફ મેમ્બરને આંતરવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવતાં આ દાણચોરી અને એરપોર્ટમાંથી સોનું બહાર કાઢવા માટે ટ્રાન્ઝિટ પ્રવાસીઓ સંડોવણી હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન ડીઆરઆઇની ટીમે સિન્ડિકેટના અન્ય સભ્યોને ઓળખી કાઢ્યા બાદ તેમને આંતર્યા હતા. તેમની પાસેથી વધારાની ગોલ્ડ ડસ્ટ ધરાવતી 16 કૅપ્સ્યૂલ્સ મળી આવી હતી, કૅપ્સ્યૂલ્સમાં 6.859 કિલોગ્રામ સોનું મીણના સ્વરૂપમાં મળ્યું હતું, જે કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઇઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રકરણે પાંચ ટ્રાન્ઝિટ પ્રવાસી (તમામ બાંગ્લાદેશી નાગરિક) અને એરપોર્ટ સ્ટાફ મેમ્બરની ધરપકડ કરવામાં આવી હતી. આ સિન્ડિકેટ દ્વારા અગાઉ પણ સોનાની દાણચોરી કરવામાં આવી હોઇ શકે છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે. એરપોર્ટમાંથી સોનું બહાર કાઢ્યા બાદ તે ક્યાં અને કઇ વ્યક્તિ પાસે જવાનું હતું, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.