Sat Sep 05 2026

Logo

કચ્છના ગ્રામીણ અને સાંસ્કૃતિક જીવનમાં શ્રદ્ધા પૂર્વક ઊજવાતી ‘બોળ ચોથ’ : ગૌધન પૂજન અને માતૃવાત્સલ્યનું પવિત્ર પર્વ

2026-08-31 12:02:00
Author: Mumbai Samachar Team
કચ્છના ગ્રામીણ અને સાંસ્કૃતિક જીવનમાં શ્રદ્ધા પૂર્વક ઊજવાતી ‘બોળ ચોથ’ : ગૌધન પૂજન અને માતૃવાત્સલ્યનું પવિત્ર પર્વ

ભુજઃ પવિત્ર શ્રાવણ માસના ઉત્સવમય માહોલ વચ્ચે કચ્છમાં ‘બોળ ચોથ’ (બહુલા ચોથ)નું પર્વ પરંપરાગત શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસ સાથે ઊજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતા અને પશુધનના મહત્વને ઉજાગર કરતો આ તહેવાર ખાસ કરીને કચ્છના ગ્રામીણ વિસ્તારો અને પશુપાલક સમાજમાં વિશેષ આસ્થા સાથે મનાવાય છે.

બોળ ચોથના દિવસે વહેલી સવારથી જ ઘરોમાં પવિત્ર વાતાવરણ જોવા મળે છે. આજના દિવસે ગાય અને તેના વાછરડાનું પૂજન કરવાનો વિશેષ મહિમા છે. મહિલાઓ ગાયને તિલક કરીને, કંકુ-અક્ષત અર્પણ કરી તેના શિંગડા પર તેલ ચોપડીને પૂજા-અર્ચના કરે છે. ગૌમાતાને બાજરી કે ઘઉંના બાફેલા ધાન (કુલર/ધૂઘરી) અને લીલોચારો ધરાવીને આશીર્વાદ મેળવવામાં આવે છે.

આ પર્વની સૌથી અનોખી લોકપરંપરા એ છે કે આ દિવસે રાંધવામાં કે રસોઈ બનાવવામાં શાકભાજી કે અન્ય વસ્તુઓ કાપવા માટે ચપ્પુ, છરી કે ધારદાર સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ સિવાય સ્ત્રીઓ આ દિવસે ઘઉં, બાજરી કે ચોખાને કાપીને કે દળીને બનાવેલી વાનગીઓ ખાવાનું ટાળે છે અને આખા ધાન્યને બાફીને તૈયાર કરેલો ખોરાક જ ગ્રહણ કરે છે. સાંજના સમયે સોપારી, અક્ષત અને જળથી સંધ્યા પૂજન કર્યા બાદ જ મહિલાઓ એકટાણું  પૂર્ણ કરે છે.

ભાતીગળ પ્રદેશ કચ્છની ભૂમિ અનાદિકાળથી પશુપાલન અને ગૌસેવા સાથે જોડાયેલી રહી છે. બોળ ચોથનું વ્રત માત્ર ધાર્મિક વિધિ પૂરતું સીમિત ન રહેતાં, મનુષ્ય અને પશુઓ વચ્ચેના આત્મીય સંબંધો અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું માધ્યમ છે. માતાઓ પોતાના સંતાનોના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે આ વ્રત રાખી ગૌમાતા પાસે પ્રાર્થના કરે છે.

જિલ્લાના ગામડાઓમાં આજે પણ પ્રાચીન લોકગીતો અને પૌરાણિક કથાઓના શ્રવણ સાથે બોળ ચોથની ઉજવણી કરીને કચ્છની ભવ્ય સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખવામાં આવી રહી છે.

(ઉત્સવ વૈદ્ય)