દુબઈ: કોઈ મૅચમાં એક ટીમની ખેલાડીએ જેટલા રન કર્યા હોય એટલા જ રન હરીફ ટીમની ખેલાડીઓ બનાવી શકી હોય અને એ હરીફ ટીમ મોટા માર્જિનથી હારી ગઈ હોય એવું ભાગ્યે જ બનતું હોય છે અને અહીં મહિલાઓના ટી-20 એશિયા કપમાં રવિવારે રાત્રે ભારત (India) અને થાઈલૅન્ડ (Thailand) વચ્ચેની મૅચમાં બન્યું હતું.
ભારતીય ઓપનર શેફાલી વર્મા (Shafali Verma)એ 64 રન બનાવ્યા હતા, વર્લ્ડ નંબર-3 ભારતનો દાવ 9/159ના સ્કોર પર પૂરો થયો હતો અને ત્યાર પછી 12મી રેન્કવાળા થાઈલૅન્ડની બૅટર્સ 64 રન બનાવી શકી હતી અને એક્સ્ટ્રામાં તેમને મળેલો એક રન ગણતાં તેઓ માત્ર 65 રનના ટોટલ પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

શેફાલીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ
હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમે આ મૅચ 94 રનના તોતિંગ તફાવતથી જીતી લીધી હતી. શેફાલી વર્માને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેણે થાઈલૅન્ડની એક બૅટરનો કૅચ પણ ઝીલ્યો હતો.
શેફાલીના ત્રણ છગ્ગા, આઠ ચોગ્ગા
આ મૅચની તમામ 22 ખેલાડીઓમાં શેફાલી વર્માના 64 રન હાઈએસ્ટ હતા જે તેણે 36 બૉલમાં ત્રણ છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા. ટૂંકમાં, માત્ર શેફાલીના યોગદાન સામે જ થાઈલૅન્ડની ટીમ માનસિક દબાણમાં આવી ગઈ હતી અને વાઈડનો એક રન ગણતરીમાં લેતાં કુલ 65 રન પર તેમનો દાવ સમેટાઈ ગયો હતો.
બૅટર્સ પ્રતીકા, સ્મૃતિ અને ક્રાંતિ ગૌડના પણ યોગદાન
ભારતને પહેલાં બૅટિંગ મળ્યા પછી શેફાલીએ બે સાધારણ ભાગીદારી કરી હતી. તેની અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના (ચાર ચોગ્ગા સાથે 19 રન) વચ્ચે 38 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. સ્મૃતિ ઉતાવળે બીજો રન લેવા જતાં રનઆઉટ થયા બાદ શેફાલી અને પ્રતીકા રાવલ (18 બૉલમાં એક સિક્સર અને બે ફોરની મદદથી 22 રન) વચ્ચે બીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી થઈ હતી. ઈનિંગ્સના છેવટના ભાગમાં પેસ બોલર ક્રાંતિ ગૌડ એક છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી બનાવેલા 15 રન બનાવીને અણનમ રહી હતી. થાઈલૅન્ડની બોલર્સમાંથી સલીપોર્ન લાઓમી નામની સ્પિનરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
દીપ્તિ શર્માની 150મી મૅચમાં વિના ખર્ચે ત્રણ વિકેટ
ભારતની બોલર્સનો પર્ફોર્મન્સ પણ અસાધારણ હતો. મુખ્ય સ્પિનર દીપ્તિ શર્મા (1.1-1-0-3)નો પર્ફોર્મન્સ અપ્રતિમ હતો. આ તેની 150મી ટી-20 મૅચ હતી. બોલર નંદની શર્માએ 18 રનમાં ત્રણ વિકેટ, સ્પિનર શ્રી ચરનીએ 10 રનમાં બે વિકેટ અને પેસ બોલર ક્રાંતિ ગૌડે 26 રનમાં એક વિકેટ લીધી હતી. સ્પિનર પ્રેમા રાવતને વિકેટ નહોતી મળી, પરંતુ તેની ચાર ઓવરમાં થાઈલૅન્ડની બૅટર્સ ફક્ત 11 રન બનાવી શકી હતી.
Starting the tournament on a positive note
— BCCI Women (@BCCIWomen) August 31, 2026
Shafali Verma and Nandni Sharma sum up #TeamIndia’s opening win of #WomensAsiaCup 2026 - By @mihirlee_58 #INDvTHAI pic.twitter.com/08RvE3CfWM