મુંબઈ: મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ મુંબઈગરાઓને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમુક જાહેર રસ્તાઓ, સબવે પણ પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે ઠેરઠેર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી.
બોલીવુડના જાણીતા કલાકાર અમિતાભ બચ્ચનથી લઈને કાજોલના ઘર નજીક પાણી ભરાયા હોવાના વીડિયો વાયરલ થયા હતા. આ ઉપરાંત, 'બિગબોસ' ફેમ અભિનેત્રી અશનૂર કોરના આલીશાન ઘરમાં વરસાદી પાણી ભરાયા હતા. આની ઝલક સોશિયલ મીડિયા પર અશનૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્ટોરી મૂકીને પોતાના ફેન્સને બતાવી હતી.
અશનૂરે શેર કર્યો વિડિયો
અશનૂર કોરે શેર કરેલા આ વીડિયોમાં તેની ઘરની બાલ્કનીમાં અને લિવિંગ એરિયામાં પાણી ભરાયું હતું. આ વીડિયોમાં તેના હાઉસ હેલ્પર વાઈપર અને અન્ય સફાઈના સામાનનો ઉપયોગથી પાણીનો નિકાલ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં નેટિઝન્સે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે.
19 વર્ષની ઉંમરમાં ખરીદ્યુ હતું ઘર
ટીવી ઇન્ડસ્ટ્રીમાં ચાઈલ્ડ એકટ્રેસ તરીકે ડેબ્યુ કરનારી અભિનેત્રી અશનૂર કોર નાની ઉંમરમાં જ એક ફેમસ સેલિબ્રિટી બની ચુકી હતી. અશનૂરે 19 વર્ષની ઉંમરમાં ઘર ખરીદ્યુ હતું, જેની કિંમત 4 કરોડ છે. હાલમાં જ ફરાહ ખાન દ્વારા દર્શકોને તેના આ ભવ્ય ઘરની સફર કરાવવામાં આવી હતી.
મુંબઈમાં પડેલા ભારે વરસાદ અંગે જાણીતા વ્લોગરે અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત પ્રતિક્ષા બંગલો નજીક પાણી ભરાયા હતા એના અંગે ધ્યાન દોર્યું હતું. એના સિવાય અજય દેવગણ, આદિત્ય ચોપરા, રાણી મુખરજી પણ પરેશાન થઈ ગયા હતા. બીજી બાજુ અનેક કલાકારોએ વરસાદને વધાવ્યો હતો.