Thu Jul 02 2026

Logo

ચૈતર વસાવાના સમર્થનમાં નર્મદામાં આદિવાસી સમાજની વિશાળ ‘સામાજિક જનસમર્થન સભા’

2026-07-02 21:17:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
તાજેતરમાં જ રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના (આપ) ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને વન કર્મી પર હુમલા કેસમાં 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. આ મુદ્દે 'આપ' ભાજપ સરકાર પર ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાના આક્ષેપો કરી રહી છે.  

ત્યારે તેના વિરોધમાં તથા ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ નર્મદા દ્વારા “સામાજિક જનસમર્થન સભા”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 'આપ'ના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

આ  “સામાજિક જનસમર્થન સભા”માં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે,  ચૈતર વસાવાનો ગુનો એ હતો કે એમણે જળ, જંગલ અને જમીન મુદ્દે સરકાર સામે બાથ ભીડી. જ્યાં સુધી ચૈતર વસાવા છે ત્યાં સુધી કોઈ કંપનીઓની તાકાત નથી કે જંગલની જમીનો પડાવી શકે. તેમણે કહ્યું હતું કે ચૈતર વસાવાને વધારે સમય સુધી જેલમાં રહેવા દઈશું નહીં.

ગુજરાતમાં આટલું ડ્રગ્સ વેચાય છે પરંતુ વેચનારાઓની સજા થતી નથી, મેં સાંભળ્યું છે કે ભાજપના એક નેતાએ વનકર્મીને બેટે ને બેટે માર માર્યો હતો. છતાં પણ તેમને સજા થઈ નથી. ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે એટલા માટે તેમને દબાવવાની કોશિશો થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સંમેલનમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવા સહિત 9 લોકોને વન કર્મીના માર મારવાના કેસમાં 7 વર્ષની જેલ અને 25 હજારના દંડની સજા ફટકારવામાં આવી છે. ચૈતર વસાવા સાથે આ કેસમાં તેમની પત્ની શકુંતલા વસાવા, તેમના પી.એ જીતેન્દ્ર વસાવા, રમેશ વસાવા, મોગરા વસાવા, મરિયમ વસાવા, શકુંતલા બલીરામ વસાવા, બલિરામ વસાવા અને રિંકેશ વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા હતાં.

જો કે આ કેસમાં શકુંતલાબેન બલીરામ વસાવાને નાની બાળકી હોવાથી તેમના જામીનની અરજી અંગે રાજ્ય સરકારે કોઈ વિરોધ નહોતો કર્યો હતો અને આથી કોર્ટે માનવીય અભિગમ દાખવીને તેમના જામીન મંજૂર કર્યા હતા.