Wed Jul 01 2026

Logo

જ્વાળામુખીથી બનેલા ટાપુમાં વૉલ્કેનો મૅરથન પૂરી કરી આ ભારતીય સાહસિકે!

2026-07-01 20:05:23
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ-દક્ષિણ અમેરિકા ઉપખંડમાં વસેલા ચિલી દેશમાં ભારતીય મૂળના રનર રામ ગોપાલ કોઠારી (Kothari)એ સદીઓ પહેલાં જ્વાળામુખીઓથી બનેલા રાપા નુઇ (Rapa Nui) નામના ટાપુમાં આયોજિત વૉલ્કેનો મૅરથનમાં ભાગ લઈને અને ભારે શારીરિક તથા માનસિક સંઘર્ષો વચ્ચે એ પૂરી કરીને પોતાની સિદ્ધિઓમાં વધુ એકનો ઉમેરો કર્યો છે.

રાપા નુઇ એટલે કે ઇસ્ટર આઇલૅન્ડ એવો 80મો દેશ છે જ્યાં કોઠારી મૅરથન દોડ્યા છે. આ આખો ટાપુ સદીઓ પહેલાં જ્વાળામુખીઓ ફાટ્યા બાદ બનેલો છે અને ત્યાં હજી આજે પણ અનેક સ્થાનો લાવારસ ફાટ્યા બાદ બન્યા હતા. કોઠારીએ પીટીઆઇને કહ્યું, `જે ટાપુ પર લોકોની વસતી હોય એવા ટાપુઓમાં રાપા નુઇ આ ધરતી પરના સૌથી દૂરના છેડા પરનો ટાપુ કહેવાય છે.

તેમણે મુંબઈથી ઇસ્તંબુલ અને ત્યાંથી સૅન્ટિયેગો થઈને રાપા નુઇ સુધી 24,000 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો અને આ સૌથી સંઘર્ષપૂર્ણ અને સૌથી લાંબા પ્રવાસથી તેમણે `મન હોય તો માળવે જવાય' એવી પ્રતિબદ્ધતા સાથે મર્યાદા બહારની સિદ્ધિ હાંસલ કરવાનું સપનું સાકાર કરવાની અન્યોને પ્રેરણા આપી છે.

કોલકાતાના બિઝનેસ ક્ષેત્રના સાહસિક રામ કોઠારી 2022માં પહેલી વખત મૅરથન દોડવાની સાથે 41.195 કિલોમીટરની આ લાંબી દોડ પૂરી કરવાની ઇચ્છાશક્તિ પૂરી કરી રહ્યા છે. તેઓ પોતાને રનર તરીકે નહીં, પણ પર્યટક તરીકે ઓળખાવે છે.

રાપા નુઇ ટાપુમાં સદીઓ જૂની પ્રતિમાઓ સ્થાપિત છે જેમાં સૌથી ઊંચું સ્ટૅચ્યૂ 60 ફૂટનું છે. આ સ્થળે સેંકડો સ્ટૅચ્યૂ છે જેને કારણે આ વિસ્તાર કુદરતી મ્યૂઝિયમ તરીકે ઓળખાય છે.