તહેરાનઃ મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ભલે હાલ પૂરતું સીધું યુદ્ધ અટકી ગયું હોય, પરંતુ આ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ ક્યારે સ્થપાશે તે કહેવું મુશ્કેલ બની રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી રહ્યા છે, તો બીજી તરફ ઈરાન પણ પીછેહઠ કરવા તૈયાર નથી. હવે ઈરાને અમેરિકા અને ઈઝરાયેલને હચમચાવી મૂકે તેવી એક નવી ખુલ્લી ધમકી આપી છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે પોતાના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યાનો બદલો લેવામાં માટે તૈયાર છીએ.
ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે શું કહ્યું?
ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ મોહમ્મદ બાકર દ્વારા હસ્તાક્ષર કરાયેલો એક સત્તાવાર અને આક્રમક સંદેશ ઈરાની મીડિયામાં બહાર આવ્યો છે. આ સંદેશમાં લખવામાં આવ્યું છે કે, ‘આયાતુલ્લાહ અલી ખામેનેઈના લોહીનો બદલો તેમના હત્યારાઓ પાસેથી ચોક્કસપણે લેવામાં આવશે’.
ખાસ કરીને વાત કરવામાં આવે તો, 28 ફેબ્રુઆરી 2026 ના રોજ અમેરિકા અને ઈઝરાયેલના એક સંયુક્ત સૈન્ય ઓપરેશન અને ભીષણ હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈનું તહેરાનમાં મોત થયું હતું. આ હુમલામાં ઈરાનના અન્ય કેટલાય ટોચના સૈન્ય અધિકારીઓ પણ માર્યા ગયા હતા. ખામેનેઈના અંતિમ સંસ્કાર અને શોક સભાઓનું આયોજન 4 થી 9 જુલાઈ 2026 દરમિયાન થવા જઈ રહ્યું છે, જેને પગલે સમગ્ર ઈરાનમાં આક્રોશનો માહોલ છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ મડાગાંઠ યથાવત છે?
અમેરિકા અને ઈરાન વચ્ચે ભલે અત્યારે સીધું સૈન્ય ઘર્ષણ અટકેલું દેખાતું હોય, પરંતુ ડિપ્લોમેટિક સ્તરે ભારે તણાવ છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે આ મુદ્દે અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત નહીં કરે. ઈરાનનું કહેવું છે કે, અમેરિકાએ અત્યાર સુધી કરારની શરતો પૂરી કરી નથી. જ્યાં સુધી અમેરિકા ભૂતકાળમાં આપેલા પોતાના વચનો પૂરા નહીં કરે, ત્યાં સુધી ઈરાન તેની સાથે ટેબલ પર બેસશે નહીં.
શું છે ઈરાનની મુખ્ય શરત?
ખામીનેઈના મોત બાદ કતારના દોહામાં બંને દેશો વચ્ચે મધ્યસ્થતાના પ્રયાસો થઈ રહ્યા હતા. પરંતુ ઈરાનના કડક વલણને કારણે આ વાતચીત પડી ભાંગી છે. ઈરાનની મુખ્ય શરત એ છે કે જ્યાં સુધી લેબનાનમાંથી ઈઝરાયેલી સૈન્ય સંપૂર્ણપણે પાછું નહીં ખેંચાય, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની શાંતિ વાર્તા શક્ય નથી. આ શરતને કારણે દોહામાં હાજર અમેરિકી અને ઈરાની પ્રતિનિધિમંડળ વચ્ચે કોઈ મુલાકાત થઈ શકી નથી. અમેરિકા તરફથી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશ્નર દોહામાં હાજર છે, પરંતુ ઈરાનના પ્રતિનિધિઓએ તેમને મળવાનો જ ઇનકાર કરી દીધો છે.