Thu Jul 02 2026

Logo

અમેરિકામાં હોટલની ભીષણ આગમાં ખેડાના ત્રણ ગુજરાતીઓ મૃત્યુ પામ્યા

Worcester   2026-07-02 18:44:55
Author: Chandrakant Kanoja
Article Image

વોર્સેસ્ટર : અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં ખેડાના નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યો લોજ મોટલમાં ભીષણ આગમાં મૃત્યુ પામ્યા છે. જેના પગલે સમગ્ર પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે. જ્યારે ખેડાના નડિયાદમાં પણ શોકનું મોજું  ફરી વળ્યું છે. 

અચાનક આગ લાગી હતી 

આ અંગે મળતી માહિતી મુજબ અમેરિકાના મેસેચ્યુસેટ્સ વોર્સેસ્ટરમાં ઇકો લોજ મોટલમાં રવિવારે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. તેમજ  આગ ઝડપથી ફેલાઈ ગઈ જેના કારણે પરિવાર તેમના રૂમમાં ફસાઈ ગયો હતો. જેના લીધે તેમણે મોટેલના ફ્રન્ટ ડેસ્ક પર મદદ માંગવા માટે ફોન કર્યો હતો.

પોતાને બાથરૂમમાં બંધ કરી દીધો

તેમજ ફ્રન્ટ ડેસ્કે તેમને રૂમના બાથરૂમમાં જવા અને પાણી ચાલુ રાખવા અને ધુમાડા અને આગથી પોતાને બચાવવા માટે ત્યાં સુરક્ષિત રહેવાનો પ્રયાસ કરવાની સલાહ આપી હતી. જેના પગલે  પરિવારે પોતાને બાથરૂમમાં બંધ કરી દીધો અને બચાવ ટીમની રાહ જોઈ રહ્યા હતા. 

ગૂંગળામણથી મૃત્યુ થયું હતું

જોકે, આગને કાબુમાં લેવામાં વધુ સમય લાગ્યો હતો. આ દરમિયાન રૂમ ધુમાડાથી ભરાઈ ગયો અને મૃતક હિતેશભાઈ સુથાર હિનાબેન અને તેમની પુત્રી 20 વર્ષની પુત્રી ઈશાનીનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું.જ્યારે અમેરિકન સત્તાવાળાઓ હાલમાં આગના કારણની તપાસ કરી રહ્યા છે. 

મૃતદેહને ભારત પરત લાવવાની પ્રક્રિયા શરૂ 

આ દુ:ખદ ઘટનાના સમાચાર નડિયાદ અને ખેડા જિલ્લામાં પહોંચતા જ પરિવારના અને સ્થાનિક રહેવાસીઓમાં શોકની મોજું  ફરી વળ્યું છે. જ્યારે પરિવારના સભ્યો અને સમુદાયના સભ્યો મૃતદેહને ભારત પરત લાવવાની પ્રક્રિયા અંગે અધિકારીઓના સંપર્કમાં છે.

આ પરિવાર બે વર્ષ પૂર્વે અમેરિકા ગયો હતો

ઉલ્લેખનીય છે કે, આ પરિવાર બે વર્ષ પૂર્વે ઉજ્જવળ ભવિષ્યની શોધમાં અમેરિકા ગયો હતો અને ત્યાં સ્થાયી થયો હતો. જેમાં મૃતક હિતેશ સુથાર  ઇકોનો લોજ મોટેલમાં કામ કરતા હતા અને પરિવાર મોટેલ પરિસરમાં  સાથે જ રહેતો હતો.