નવા વર્લ્ડ નંબર-વને પાછલા સર્વોચ્ચ ક્રમાંકિત સામે ઘેરો અફસોસ વ્યક્ત કર્યો
ચેસ્ટર-લી-સ્ટ્રીટઃ ઇશાન કિશન ટી-20નો નવો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન બન્યો એને 24 કલાક પણ નહોતા થયા ત્યાં તે પોતાના બીજા જ બૉલ પર પોતાની જ ભૂલને કારણે રનઆઉટ થઈ ગયો હતો. નવાઈની વાત એ છે કે ઇશાને નંબર-વન પર જેનું સ્થાન લીધું છે એ સાથી ખેલાડી અભિષેક શર્મા સાથેની ગેરસમજને લીધે તેણે વિકેટ ગુમાવવી પડી હતી અને આ આંચકો મળતાં અભિષેકે ઇશાનને કહ્યું, `ક્યા કર રહા હૈ યાર, ઇશાન...'
ઇશાન સતત બીજી વખત રનઆઉટ
ઇશાન કિશન સતત બીજી મૅચમાં સાથી બૅટ્સમૅન સાથેની ગેરસમજને લીધે રનઆઉટ થયો છે. 28મી જૂને બેલફાસ્ટમાં આયરલૅન્ડ સામેની મૅચમાં સંજુ સૅમસન અને અભિષેકે શૂન્યમાં વિકેટ ગુમાવી ત્યાર પછી પાંચમી ઓવરમાં ઇશાન 12 રનના પોતાના સ્કોર પર તિલક વર્મા સાથેની ગેરસમજમાં રનઆઉટ થયો હતો.
બુધવારે વરસાદને લીધે અનિર્ણીત રહેલી ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ઇશાન (Ishan) મોટું જોખમ ઉઠાવીને સિંગલ દોડવા માગતો હતો. અભિષેકે તેને પાછો મોકલ્યો હતો, પણ ઇશાનની વિકેટ જાણે ત્યારે નિશ્ચિત હતી. કૅપ્ટન હૅરી બ્રૂક સીધા થ્રોમાં તેને રનઆઉટ (Runout) કરી શકે એમ નહોતો અને ત્યારે ઇશાનની ફુલ લેન્ગ્થ ડાઇવ છતાં વિકેટકીપર જૉસ બટલર તેને રનઆઉટ કરવામાં સફળ થયો હતો. અપીલ બાદ થર્ડ અમ્પાયર નિર્ણય પર આવી રહ્યા હતા એ દરમ્યાન અભિષેક-ઇશાન વચ્ચેની સ્ટમ્પ માઇક પરની વાતચીત વાઇરલ થઈ હતી. બૉલ બ્રૂકની નજીક હતો એટલે અભિષેક સિંગલ દોડવા નહોતો માગતો, પણ ઇશાને રન માટે કૉલ આપ્યો અને પોતે જ વિકેટ ગુમાવી હતી. પછીથી ઇશાને કબૂલ કર્યું હતું કે `સિંગલ દોડવાનો મારો કૉલ હતો.'
અભિષેક-ઇશાન વચ્ચે શું વાતચીત થઈ?
અભિષેકઃ પહોંચા કિ નહીં પહોંચા?
ઇશાનઃ મુઝે નહીં પતા
અભિષેકઃ ક્યા?
ઇશાનઃ મુઝે નહીં પતા
અભિષેકઃ ક્લોઝ થા?
ઇશાનઃ ક્લોઝ હૈ
અભિષેકઃ ક્યા કર રહા હૈ યાર, ઇશાન
ઇશાનઃ આગે થી ના? મેરી કૉલ થી
અભિષેકઃ પર દેખ તો સહી...કહાં ખડા હૈ વો
A costly mix-up in the middle. 🫣
— Star Sports (@StarSportsIndia) July 1, 2026
Moments after the run-out: Abhishek Sharma and Ishan Kishan share a brief conversation.#ENGvIND 1st T20I 👉 Streaming LIVE on JioHotstar! pic.twitter.com/1kagvrBjV9
અભિષેકને બદલે ઇશાન બન્યો છે વર્લ્ડ નંબર-વન
આઇસીસી દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા નવા ક્રમાંકો મુજબ ટી-20 ઇન્ટરનૅશનલમાં હવે ઇશાન કિશન વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન છે. તેણે અભિષેક શર્માનું સ્થાન લીધું છે. જોકે હાલમાં બન્નેમાંથી અભિષેક વધુ ફૉર્મમાં છે. બુધવારે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટી-20માં તેણે 245.83ના સ્ટ્રાઇક-રેટ સાથે 24 બૉલમાં 59 રન બનાવ્યા હતા જેમાં ચાર છગ્ગા અને છ ચોગ્ગા સામેલ હતા. હવે ભીતિ એ છે કે ઇશાન રનઆઉટ થઈ જવાને કારણે કદાચ નવા રૅન્કિંગમાં નંબર-વનની રૅન્ક ગુમાવશે.