Thu Jul 02 2026

Logo

ઈતિહાસ રચવા તૈયાર ભારત: આ તારીખે લોન્ચ થશે દેશનું પહેલું ખાનગી ઓર્બિટલ રોકેટ

2026-07-02 16:46:06
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ભારતીયો હવે દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું પ્રદર્શન કરી રહ્યાં છે, જેના કારણે દેશની પ્રગતિ પણ થઈ રહી છે. ભારતના સ્પેસ સેક્ટરના ઈતિહાસમાં એક નવો સોનેરી અધ્યાય લખાવા જઈ રહ્યો છે. દેશમાં પહેલીવાર કોઈ ખાનગી કંપની પૃથ્વીની કક્ષા (Orbit)માં પોતાનું રોકેટ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. હૈદરાબાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાઈરૂટ એરોસ્પેસ (Skyroot Aerospace) એ તેની આ પ્રથમ ટેસ્ટ ફ્લાઈટને 'મિશન આગમન' (Mission Aagaman) નામ આપ્યું છે, જે આગામી થોડા દિવસોમાં આકાશને ચીરીને અર્થ ઓર્બિટમાં પ્રવેશ કરશે.

કંપની દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, તેમનું પ્રથમ ઓર્બિટલ ક્લાસ રોકેટ 'વિક્રમ-1' (Vikram-1) હવે સંપૂર્ણ રીતે અસેમ્બલ થઈને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) ના 'ફર્સ્ટ લોન્ચ પેડ' પર ઉડાન ભરવા માટે તૈયાર છે. આ ઐતિહાસિક રોકેટનું લોન્ચિંગ 12 જુલાઈથી 4 ઓગસ્ટ 2026 ની વચ્ચે ગમે ત્યારે કરવામાં આવશે તેવું સત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

450 કિલોમીટર ઉપર જઈને પેલોડ સેટ કરશે

લોન્ચ પેડ પરથી ઉડાન ભર્યા પછી આ રોકેટ સીધું પૃથ્વીથી 450 કિલોમીટર ઉપર અંતરિક્ષમાં લો અર્થ ઓર્બિટ (LEO)માં જશે. ત્યાં તેનું મુખ્ય કામ ભારત અને વિદેશી ગ્રાહકોના સેટેલાઈટ્સને તેમની નિર્ધારિત જગ્યાએ સુરક્ષિત રીતે સ્થાપિત કરવાનું છે. જોકે, મહત્વપૂર્ણ વાત એ છે કંપનીના જણાવ્યા અનુસાર આ તેમનું ફાઈનલ કમર્શિયલ મિશન નથી, પરંતુ એક ટેસ્ટ ઉડાન (Demonstration Flight) છે. 

જમીન પર તમામ જરૂરી પરીક્ષણો કર્યા પછી, કંપની હવે એ જોવા માંગે છે કે જ્યારે રોકેટ ખરેખર આકાશ ચીરીને ઉપર જાય છે, ત્યારે તેની ટેક્નોલોજી અને એન્જિન વાસ્તવિક પરિસ્થિતિમાં કેવું કામ કરે છે? આ ટેસ્ટ ફ્લાઈટ સફળ થતાં જ સ્કાઈરૂટ કંપનીનો અસલી બિઝનેસ શરૂ થઈ જશે, જેના હેઠળ તેઓ વિશ્વભરના દેશો અને કંપનીઓના સેટેલાઈટને ફી લઈને અંતરિક્ષમાં મોકલવાની રેગ્યુલર સર્વિસ શરૂ કરશે.

વિક્રમ-S થી વિક્રમ-1: આ છલાંગ કેમ ખાસ છે?

અહીં એ જાણવું જરૂરી છે કે નવેમ્બર 2022 માં સ્કાઈરૂટે 'વિક્રમ-S' રોકેટ લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો હતો. પરંતુ તે માત્ર એક સબ-ઓર્બિટલ ફ્લાઈટ હતી, એટલે કે તે અંતરિક્ષની સરહદને અડીને પરત આવી ગયું હતું, તેમાં કોઈ સેટેલાઈટ ઓર્બિટમાં સ્થાપિત કરવાના નહોતા. પરંતુ આ વખતે 'વિક્રમ-1' સીધું પૃથ્વીની કક્ષામાં સેટેલાઈટ સ્થાપિત કરવા જઈ રહ્યું છે. કંપનીના 1000 થી વધુ કર્મચારીઓની રાત-દિવસની મહેનતથી તૈયાર થયેલું આ રોકેટ ભારતના કોમર્શિયલ સ્પેસ માર્કેટનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખશે.

વિક્રમ-1ની ખાસીયતો શું છે?

આ સફરને સંપૂર્ણ સુરક્ષિત બનાવવા માટે વિક્રમ-1 રોકેટને અત્યંત સ્માર્ટ ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે. પહેલુ એડવાન્સ નેવિગેશન સિસ્ટમ (GNC). જો ઉડાન દરમિયાન તેજ પવન કે કોઈ અન્ય દબાણને કારણે રોકેટ પોતાના નક્કી કરેલા રસ્તા પરથી સહેજ પણ ભટકશે, તો તેનું સોફ્ટવેર કોઈ પણ બહારના કમાન્ડ વગર પોતાની ભૂલ આપોઆપ સુધારી લેશે અને સાચા રસ્તે આવી જશે. 

બીજી કે, આ ઓટોમેટિક સિસ્ટમને કંટ્રોલ કરવા માટે રોકેટની અંદર સેન્સર્સની આખી જાળ પથરાયેલી છે, જે બિલકુલ મનુષ્યના નર્વસ સિસ્ટમની જેમ કામ કરે છે. તે પછી ત્રીજુ અને સૌથી મહત્વપૂર્ણ માસ્ટરમાઈન્ડ કમ્પ્યુટર 'રામાનુજન'. 

આ સમગ્ર સિસ્ટમનું મુખ્ય મગજ તેનું મિશન કમ્પ્યુટર છે, જેને મહાન ભારતીય ગણિતશાસ્ત્રી રામાનુજનના સન્માનમાં 'રામાનુજન' નામ આપવામાં આવ્યું છે. ઉડાનના પહેલા સેકન્ડથી લઈને સેટેલાઈટ લોન્ચ કરવા સુધી, આ કમ્પ્યુટર જ રોકેટના પ્રોપલ્શન સિસ્ટમ અને સ્ટેજ સેપરેશન (રોકેટના ભાગો અલગ થવા) પર નજર રાખશે અને દરેક ભાગને કમાન્ડ આપશે.