Wed Jul 29 2026

Logo

ક્રિપ્ટો હવે કરવેરાની જાળમાં સજ્જડ કેદ

2026-07-29 08:34:17
Author: Nilesh Waghela
Article Image

ભારતમાં ક્રિપ્ટોકરન્સી કાનૂની ચલણ નથી, ભારતીય રૂપિયો દેશનો એકમાત્ર કાયદેસર ચલણ છે, પરંતુ સીબીડીટી ડિજિટલ એસેટ્સને ફોર્મલ ટેક્સ કમ્પ્લાયન્સ ઇકોસિસ્ટમમાં આવરી લેવા માગે છે. સાર એટલો જ કે હવે ક્રિપ્ટો ટ્રાન્ઝેકશન પરંપરાગત ટેક્સ ઇન્ફર્મેશન નેટવર્કની બહાર નહીં રહી શકે. 

કવર સ્ટોરી - નિલેશ વાઘેલા

ભારતનું ક્રિપ્ટોકરન્સી ઇકોસિસ્ટમ એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. એક એવો તબક્કો જ્યાં અનામી અને અસ્પષ્ટતાનો યુગ સમાપ્ત થશે અને પારદર્શિતા અને નિયમનકારી તપાસનોે માર્ગ મોકળો થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ એક માર્ગદર્શિકા જારી કરીને ક્રિપ્ટો ટેક્સ રિપોર્ટિંગ ફરજિયાત બનાવ્યું છે. બોર્ડના નિર્દેશ અનુસાર હવે ક્રિપ્ટો એક્સચેન્જ અને અન્ય મધ્યસ્થીઓએ તેમના પ્લેટફોર્મ પરના તમામ વ્યવહારોની જાણ આવકવેરા વિભાગને કરવી પડશે.

આ પગલું માત્ર એટલે મહત્વપૂર્ણ નથી કે તે ક્રિપ્ટો એસેટ્સ પર નવો વેરો દાખલ કરે છે, પરંતુ એટલે કે તે તેની આસપાસના માહિતી-વિશ્ર્વને વધુ સ્પષ્ટ, પારદર્શક અને મજબૂત બનાવે છે. વર્ષોથી, ડિજિટલ એસેટ્સ નિયમનકારી ગ્રે ઝોનમાં અસ્તિત્વમાં હતી, જે મોટાભાગે પરંપરાગત બૅન્કિંગ અને નાણાકીય રિપોર્ટિંગ સિસ્ટમ્સની બહાર કાર્યરત હતી.

આને કારણે ટેક્સ ઓથોરિટી માટે આ પ્રકારની અથવા આવી શ્રેણીમાં આવતી એસેટ અંગેની માહિતીનો અભાવ સર્જાયો, ખાસ કરીને જ્યારે ક્રિપ્ટો એસેટ્સ સરહદ પાર ટ્રાન્સફર કરી શકાય છે અથવા પરંપરાગત નાણાકીય સંસ્થાઓની બહાર ડિજિટલ વોલેટ દ્વારા જાળવી શકાય છે. આ પરિસ્થિતિમાં તેના પર નિયંત્રણ રાખવું લગભગ અસંભવ બની જાય છે!

સીબીડીટીનું સૂચિત પગલું ક્રિપ્ટો વ્યવહારોને વધુ સંરચિત અને પારદર્શક વૈશ્ર્વિક ટેક્સ રિપોર્ટિંગ માળખામાં લાવીને તે અંતરને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. તે ભારતની રિપોર્ટિંગ જરૂરિયાતને ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી)ના ક્રિપ્ટો-એસેટ રિપોર્ટિંગ ફ્રેમવર્ક (સીએઆરએફ) સાથે એકરૂપ બનાવે છે. સીએઆરએફ એક વૈશ્ર્વિક પહેલ છે જે સહભાગી અધિકારક્ષેત્રો વચ્ચે ક્રિપ્ટો વ્યવહારો પર ટેક્સ સંબંધિત માહિતીના સ્વચાલિત વિનિમયને સરળ બનાવવા માટે રચાઇ છે.

ભારત માટે, આ હિલચાલ કરચોરી સામે લડવા અને સરહદ પાર નાણાકીય પારદર્શિતા સુધારવા માટેના તેના વ્યાપક પ્રયાસો સાથે ગાઢ રીતે જોડાયેલી છે. હાલની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા હેઠળ, ભારત પહેલાથી જ ભારતીય કરદાતાઓને સંડોવતા ઓફશોર નાણાકીય ખાતાઓ અને વ્યવહારો વિશે માહિતી મેળવે છે. 

જો કે, ક્રિપ્ટોકરન્સીએ એક અનોખો પડકાર ઉભો કર્યો કારણ કે તેનું માળખું હંમેશા પરંપરાગત નાણાકીય રિપોર્ટિંગ મિકેનિઝમ્સમાં સુસંગત રીતે બંધબેસતું આવતું નથી. 2023માં ભારતની અધ્યક્ષતા દરમિયાન જી-ટ્વેન્ટી દ્વારા સમર્થિત સીઓઆરએફને અપનાવવાનો હેતુ આ છટકબારી દૂર કરવાનો છે. આ ફ્રેમવર્ક હેઠળ માહિતીનું વિનિમય 2027થી શરૂ થવાની અપેક્ષા છે.

નવા માળખાના કેન્દ્રમાં રિપોર્ટિંગ ક્રિપ્ટો-એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ (આરસીએએસપી) છે. આમાં ક્રિપ્ટો એક્સચેન્જ અને ચોક્કસ વ્યવસાયોનો સમાવેશ થાય છે, જે ક્રિપ્ટો-એસેટ વ્યવહારોને, મધ્યસ્થી, પ્રતિપક્ષો અથવા ટ્રેડિંગ પ્લેટફોર્મના ઓપરેટર તરીકે સરળ બનાવે છે. તેમની જવાબદારીઓ ફક્ત વ્યવહાર રેકોર્ડ જાળવવાથી આગળ વધશે. 

આરસીએએસપી પાસેથી ગ્રાહકની યોગ્ય તપાસ હાથ ધરવાની, તેમના ગ્રાહકોની ટેક્સ રેસીડેન્સી સ્થાપિત કરવાની, નિર્ધારિત કેવાયસી અને કરદાતાની માહિતી એકત્રિત કરવાની, રિપોર્ટ કરી શકાય તેવા વ્યવહારોના રેકોર્ડ જાળવવાની અને ફોર્મ 167 સહિત નિર્ધારિત રિપોર્ટિંગ મિકેનિઝમ દ્વારા કર અધિકારીઓને વાર્ષિક માહિતી સબમિટ કરવાની અપેક્ષા રાખવામાં આવશે.

વાસ્તવમાં, ક્રિપ્ટો એક્સચેન્જોને વધુને વધુ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ જેવી સ્થિતિમાં મૂકવામાં આવી રહ્યા છે જે પહેલાથી જ આંતરરાષ્ટ્રીય કર પારદર્શિતા ધોરણો હેઠળ કાર્યરત છે. આ પરિવર્તન ક્રિપ્ટો પ્લેટફોર્મ, રોકાણકારો અને કર અધિકારીઓ વચ્ચેના સંબંધમાં મોટો ફેરફાર દર્શાવે છે.

વ્યક્તિગત રોકાણકારો માટે, સંદેશ સીધો છે. ક્રિપ્ટો વ્યવહારોને હવે નાણાકીય રીતે અદ્રશ્ય ગણી શકાય નહીં. નવું રિપોર્ટિંગ માળખું, રોકાણકારો માટે વધારાની ટેક્સ ફાઇલિંગ આવશ્યકતા બનાવતું નથી. જો કે, તે સચોટ કર પાલનનું મહત્વ નોંધપાત્ર રીતે વધારે છે. સરળ ભાષામાં હવે ક્રિપ્ટો ટ્રાન્ઝાકશનમાં છટકી શકાશે નહીં. 

રોકાણકારોએ તેમની ક્રિપ્ટો ખરીદી, વેચાણ, ટ્રાન્સફર અને વોલેટ હિલચાલના વિગતવાર રેકોર્ડ જાળવવા જોઇએ. એક્સચેન્જ સ્ટેટમેન્ટ, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને અન્ય સહાયક દસ્તાવેજો કાળજીપૂર્વક સાચવવા જોઈએ. સૌથી અગત્યનું, આવકવેરા રિટર્નમાં નોંધાયેલી માહિતી ક્રિપ્ટો એક્સચેન્જો અને અન્ય રિપોર્ટિંગ સંસ્થાઓ દ્વારા જાળવવામાં આવેલા રેકોર્ડ સાથે સુસંગત હોવી જોઈએ.

આ ખાસ કરીને મહત્વનું છે કારણ કે કરદાતાના ખુલાસા અને કર સત્તાવાળાઓ પાસે ઉપલબ્ધ વ્યવહાર માહિતી વચ્ચેની વિસંગતતાઓ વધુ તપાસને આકર્ષિત કરી શકે છે. જે રોકાણકારોએ અગાઉ રેકોર્ડ-કીપિંગ માટે સામાન્ય અભિગમ અપનાવ્યો હતો, તેમને હવે તેમની પ્રથાઓનું પુનર્મૂલ્યાંકન કરવાની જરૂર પડી શકે છે.

સીબીડીટી માર્ગદર્શન પાછળનો વ્યાપક સંદેશ એ છે કે ભારતની ક્રિપ્ટો નીતિ ધીમે ધીમે અલગ થવાને બદલે એકીકરણ તરફ આગળ વધી રહી છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સી કાનૂની ટેન્ડર નથી, ભારતીય રૂપિયો દેશનો એકમાત્ર કાયદેસર ચલણ છે, પરંતુ ડિજિટલ સંપત્તિઓ વધુને વધુ ફોર્મલ ટેક્સ કમ્પ્લાયન્સ (ઔપચારિક કરવેરા પાલન) ઇકોસિસ્ટમનો ભાગ બની રહી છે.

કાયદેસર રોકાણકારો અને કરવેરાના નિયમનોના પાલન કરનારા વ્યવસાયો માટે, વધુ પારદર્શિતા આખરે ક્ષેત્રમાં વધુ વિશ્ર્વસનીયતા લાવી શકે છે. તે જ સમયે, એક્સચેન્જોને કમ્પ્લાયન્સની હાયર કોસ્ટ સહન કરવી પડશે, જ્યારે રોકાણકારોને રેકોર્ડ જાળવવા અને કરપાત્ર આવક જાહેર કરવામાં વધુ શિસ્તબદ્ધ બનવાની જરૂર પડશે.

ક્રિપ્ટો અર્થતંત્ર વિકેન્દ્રીકરણ પર બનેલ હતું, પરંતુ ભારતમાં તેનું ભવિષ્ય જવાબદારી પર આધારિત રહેવાની શક્યતા છે. સીબીડીટીનું રિપોર્ટિંગ માળખું સંકેત આપે છે કે હવે ક્રિપ્ટો ટ્રાન્ઝાકશન પરંપરાગત ટેક્સ ઇન્ફર્મેશન નેટવર્કની બહાર નહીં રહી શકે.