કચ્છી ચોવક - કિશોર વ્યાસ
ચલણી નોટોના કમખાણમાં કેટલાય બૅન્ક અધિકારીઓ ‘કટકી’ ખાઇને નવી નોટ્સ આપતા પકડાયા ત્યારે વિચાર થયો કે, આવા અધિકારીઓનું, ઘરમાં, સમાજમાં અને વ્યવસાયક્ષેત્રે કેવું માન રહેતું હશે? જવાબ મળી ગયો આ કચ્છી ચોવકમાંથી : ‘ટુકરી જો ખાધલ નીચું ન્યારે’. કટકી ખાનારે માથું નીચું રાખીને જ જીવવું પડે! શા માટે આવું કરવું જોઇએ? બૅન્કની તિજોરીમાં નોટ્સ ઘણી હોય પણ એ આપણા પિતાશ્રીની ન હોય! પિતાશ્રીની હોય તો પણ પિતાશ્રીને પૂછયા વગર વાપરી ન શકાય! આ તો એવી વાત થઇ કે, ઘરમાં કોઠાર ભર્યા હોય અનાજના અને ઘી ખાવાના વાંધા હોય! અહીં સમજવા જેવું લાગે છે. મિત્રો કચ્છી ચોવક છે : ‘ધાંઇ ધરપત, ઘી સંપત’ દરેક પ્રકારની વ્યાપેલી અસમાનતાનો અર્થ આ ચોવકમાંથી મળે છે. ‘ઘી સંપત’ શબ્દ છે એ અનુશાસનના અર્થમાં છે.
પવિત્રતા પાળવી અને પોષવી પડે, સામાજિક સુસજ્જતા માટે. ‘પવિત્ર’ શબ્દ જ એવો છે જેને ‘અપવિત્રતા’નો ઓછાયો અડતો નથી. કચ્છીમાં ચોવક છે કે ‘પાણીમેં મલેછાઇ નોંય’ ભાવાર્થ એ જ છે કે, પવિત્ર વસ્તુ હંમેશાં પવિત્ર જ રહે અને પવિત્રતા જ વ્યક્તિની પાત્રતા નકકી કરે છે. તમારમાં જેવા ગુણ તેવું તમારું સામાજિક સ્થાન? કહ્યું છે કે :
‘માલ તેડી મીઠાઇ, ડેવ તેડી અડાઇ’ મતલબ કે પાત્રતા પ્રમાણે જ તમારું માન રહે. દૂધનું એવું જ છે. કોઇ દૂધ સામે કરે તો તેને ઠેલાય નહીં. આસ્વાદ કરાય, કારણ કે દૂધ એ પવિત્ર વસ્તુ છે. એ એટલા માટે પવિત્ર છે કે, તેનું ઉત્પાદન ઇશ્ર્વર જાતે કરે છે. પવિત્ર વસ્તુનો અનાદર ન કરાય અને પાત્રતા ધરાવનારને પૂરો આદર અપાય. કેવા કેવા ગહન અર્થથી ભરેલી હોય છે, કહેવતો ! એવી જ સુંદર ચોવક એ સંદર્ભમાં મૂકું છું: ‘સામૂં અચીંધલ ખીર ન ઠેલાજે!’
ઘણી વાર મને લાગે છે કે, ચોવકો રામાયણની ચોપાઇઓ જેવી જ છે. કેટલા અર્થ, બોધ, ગહનતા હોય છે, ચોવકમાં! કયારેક એક ચોવક પસંદ કરીને પાઠ કરવા બેસી જાઓ... અદ્ભુત અર્થો સ્ફૂરતા જશે. એક ચોવક અહીં ટાંકું છું. સરળ છે. ‘સેવા કરીયોંત મેવા મિલે’ ચોવક શાસ્ત્રથી વિરુદ્ધ ન હોઇ શકે, પણ આ ચોવક ગીતા બોધ ‘કર્મ કર ફળની આશા ન રાખ’ તેનાથી વિરોધાર્થી લાગે છે. ગીતાબોધ કળની આશા ન રાખવાનું કહે છે, પણ કર્મ કરવાનું તો કહેજ છે ને? તો કર્મ કરતાં જે ઉત્પન્ન થશે એ ફળ જ હશે ને? અને આ કચ્છી ચોવક ‘સેવા કરીયોંત મેવા મિલે’ મેવા મેળવવા માટે સેવા કરવાનું નથી કહેતી, પણ સેવા કરવાનું કહે છે... અને સેવાના તો કેટલા વ્યાપક અર્થ છે! સેવા કરતાં કરતાં જે મળશે એમાં મેવા જેવી મીઠાશ હશે!
ઘણાનાં કર્મ, કાર્યો ભાગ્યને આધીન હોય છે. ફળ મળે જ નહીં. કરેલું બધું જ એળે જાય ત્યારે કહેવાય કે ‘અંધી ડરે ને કુતો ખાય!’ સામાન્ય રીતે સત્કર્મોનાં ફળ મળતાં જ હોય છે, પણ વગર આયોજને અને વગર વિચારે મંડી પડયા હોઇએ તો એમ કહેવાય કે. ‘અંધી ઘોડીને લંભ મેં લડે’અને વળી ખોટાં કામનાં પરિણામ પણ ખોટાં જ આવે. ‘હરામ જે જાડ મેં, મુસીબત જા ફલ.’ એમાં આફત જ ઊગે! એટલે જ કહેવાય છે કે ‘હકેં ભરકત હીલે રિજક’ હક્કની વસ્તુમાં જ ઝાઝી ભરકત હોય. બાકી તો એવું પણ થાય કે, કયાંયના ન રહેવાય. ‘સૂડી વિચ સોપારી’ જેવી હાલત થઇ જાય.