Mon Oct 05 2026

Logo

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છલકાયો, સીએમ ભૂપેન્દ્ર પટેલે નીરના વધામણા કર્યા

2026-09-30 19:49:00
Author: Chandrakant Kanoja
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છલકાયો, સીએમ ભૂપેન્દ્ર પટેલે નીરના વધામણા કર્યા

એકતાનગર: ગુજરાતમાં  જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ 138. 68  મીટરે પહોંચી છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  નર્મદાના પાવન જળના સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી કર્યા હતાં.

વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ 

મુખ્યમંત્રીએ 10453 ગામો, 191 શહેરો તથા 07 મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.

ડેમ અત્યાર સુધીમાં કુલ 07 વખત છલકાયો 

સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ ત્યારપછી આ ડેમ અત્યાર સુધીમાં કુલ 07 વખત - વર્ષ 2019, 2020, 2022, 2023, 2024 અને 2025 તથા 2026માં તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. નર્મદા ડેમની  138.68  મીટર (૪૫૫ ફુટ) સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા 9460 મીલીયન ઘન મીટર છે.

 હાલમાં આશરે 7.9  મિલિયન એકર ફૂટ પાણી ઉપલબ્ધ 

મુખ્યમંત્રીએ નર્મદાના નીરના વધામણાં કરતાં કહ્યુ કે, ચાલુ વર્ષમાં સમગ્ર નર્મદા બેસીનમાં આવેલ કુલ પાણીના જથ્થાને ધ્યાને લઈને સામાન્ય વર્ષોમાં ગુજરાતને ફાળવવામાં આવતા 9 મિલિયન એકર-ફૂટ(MAF)પાણીની સામે હાલમાં આશરે 7.9  મિલિયન એકર-ફૂટ (MAF)પાણી ઉપલબ્ધ છે. આ ઉપલબ્ધ અમૂલ્ય જળનો કરકસરપૂર્વક, સમજદારીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરી પાણીના દરેક ટીપાનો મહત્તમ સદુપયોગ કરવો એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. 

 1028  તળાવો ભરવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે, ચાલુ ચોમાસામાં સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છને પાણીનું વિતરણ કર્યું છે. સુજલામ સુફલામ યોજનામાં ચાલુ જળ વર્ષ દરમિયાન 201 MCM (7118MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને 1028  તળાવો ભરવામાં આવ્યા છે. 

સૌની યોજનામાં 288 MCM (10189  MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને 167  તળાવો, 1014 ચેકડેમ અને 45  ડેમ ભરવામાં આવ્યા છે. આમ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ની જરૂરિયાતો અનુસાર તળાવો, ચેકડેમ, બંધો વગેરે ભરવા માટે પાણી વિતરણ કરવામાં આવેલ છે. 

સતત ત્રીજા વર્ષે પણ જળ પૂજન

રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીઆરા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન-અર્ચનથી જળ શક્તિની વદંના કરવાની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજા વર્ષે પણ જળ પૂજન કરીને આગળ ધપાવી છે.