Tue Oct 06 2026

Logo

કચ્છી ચોવકઃ શ્રદ્ધા-શક્તિનું મહત્ત્વ...

2026-09-30 08:03:54
Author: Kishor Vyas
કચ્છી ચોવકઃ શ્રદ્ધા-શક્તિનું મહત્ત્વ...

કિશોર વ્યાસ

માત્ર ઈશ્વર મહાન છે. કોઈપણ સદ્કાર્ય માટે એ માણસને નિમિત્ત બનાવે છે. ઈશ્વર પાસે સદ્કાર્ય  સિવાય કંઈ જ નથી. એટલે જ એક ચોવકમાં સનાતન સ્વરૂપે વણી લેવામાં આવ્યું છે કે, ‘કરણવારી કુધરત, માડૂ નીમીત માતર’ ચોવકમાં જે ‘કરણવારી’ શબ્દનો પ્રયોગ થયો છે, તેનો અર્થ ‘કરવાવાળી’ થાય છે. પણ કચ્છની જુદી જુદી જ્ઞાતિમાં અને પ્રદેશમાં ‘કરણવારી’ના બદલે ‘કે વારી’ ‘કરે વારી’ વગેરે શબ્દો પ્રયોજાય છે, જેનો અર્થ  પણ ‘કરવાવાળી’ જ થાય છે. અર્થ અને ભાવાર્થ સ્પષ્ટ છે કે, ‘કરવાવાળી તો, કુદરત છે, મનુષ્ય માત્ર નિમિત્ત જ બને છે!

કુદરત પર આ રીતે શ્રદ્ધા, વિશ્ર્વાસ અને ભરોસો દર્શાવતી બીજી પણ એક ચોવક છે: ‘અંધેજી મા જો અલ્લા રખવારો’. ‘અંધેજી’ એટલે આંધળાની, રખવારોનો અર્થ થાય છે, આધાર કે સંભાળ લેનાર. પુત્ર આંધળો હોય અને મા નિરાધાર બની ગઈ હોય તેની સંભાળ ભગવાન રાખે છે, એમ ચોવકને કહેવું છે. બીજો એવો પણ અર્થ થઈ શકે કે, ‘જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન છે’!

છઠ્ઠીના લેખ! આપણે આસ્થાપૂર્વક માનીએ છીએ કે, આપણા સુખ-દુ:ખનો તમામ હિસાબ એ લેખમાં લખેલો હોય છે. છઠ્ઠીના લેખમાં લખ્યા મુજબની ઘટનાએ જ ક્રમસર માનવજીવનમાં બનતી રહે છે પણ દુ:ખથી પરેશાન કોઈપણ વ્યક્તિની વ્યથા અને આક્રોશ આ ચોવક વ્યકત કરે છે: ‘જ મિલે વિધાતા રોડે વઢીયાં નક’ જબરદસ્ત આક્રોશ છે આ ચોવકમાં. અર્થ એવો થાય છે કે, ‘જો મળે વિધાતા તેનું નાક કાપી નાખું!’ ‘રોડે’ શબ્દનો અર્થ છે, સખત પ્રહાર કરીને! ‘વઢીયાં’ એટલે વાઢી નાખું કે કાપી નાખું અને ‘નક’ એટલે નાક.

તેમ છતાં પણ આપણા જીવનમાં શ્રદ્ધાનું સ્થાન બહુ જ મહત્ત્વનું છે. ઈશ્ર્વર પર અપાર શ્રદ્ધા રાખ ને કરેલું કાર્ય પાર પડે જ, એટલા શ્રદ્ધાવાન આપણે છીએ. શ્રદ્ધા ખરેખર તો ‘બળ’ આપે છે અને ઈશ્ર્વર ‘કળ’ આપે છે. કચ્છીમાં એટલે જ આ ચોવક છે: ‘જુકો જેડી ધારે માલક તેડો તેંકે પારે’. શ્રદ્ધાની પરીસીમા દર્શાવતી આ ચોવક છે. સીધો અર્થ એવો થાય છે કે ‘કોઈ જેટલી અને જેવી શ્રદ્ધા ઈશ્ર્વરમાં ધરાવે, તેટલા પ્રમાણમાં જ ઈશ્ર્વર તેની ઈચ્છા પૂરી કરે! ‘જેડી’ એટલે જેવી અને ‘ધારે’ એટલે કે શ્રદ્ધા રાખે. ‘માલક’ એટલે ઈશ્ર્વર. ‘પારે’નો અર્થ છે પાળે કે ઈચ્છા પૂરી કરે!
’
વળી પાછું બીજી એક ચોવક એમ પણ કહે છે કે ‘ડેવ તેડા થાર’ જેવા દેવ તેવો થાળ! બહુઅર્થી આયામ ધરાવે છે આ ચોવક. દેવની કક્ષા નક્કી કરનારા આપણે કોણ? તો ભાવાર્થ એવો હોઈ શકે કે, આપણી શક્તિ-ક્ષમતા કે સગવડ મુજબ દેવને થાળ ધરાવાય! આવી પાત્રતા દર્શાવતી બીજી પણ ચોવક કચ્છીમાં વપરાય છે: ‘ડેવ તેડયૂં અઠાઈયૂં’ અર્થ એજ થાય કે, જેવા દેવ તે પ્રમાણે તેના પૂજા-પાઠ કે વ્રત-જાપ કરવા જોઈએ!

એટલે જ કહેવાય છે કે ઈશ્વર પર મૂકેલી શ્રદ્ધા કયારેય અફલિત રહેતી નથી. બધાને કહેતા ન ફરાય કે દુઆ કરજો! શ્રદ્ધા સ્થાન એક જ અને બળવત્તર શ્રદ્ધાવાળું હોવું જોઈએ. એ પ્રકારનો નિર્દેશ આપતી ચોવક પણ પ્રચલિત છે: ‘ડેવ ડેવસ્થાન છડે, ને ખેતરપારજી ખિડ ન થીયે’ મતલબ કે દેવ-દેવસ્થાનાં છોડીને ક્ષેત્રપાળની ભક્તિ ન કરાય. ક્ષેત્રપાળ એ ક્ષેત્રરક્ષક છે, પણ એ દેવ-દેવી કે દેવસ્થાનાંની ઉપરવટ ન જઈ શકે! ક્ષેત્રપાળ એ શેષનાગનું સ્વરૂપ છે. આપવા વાળો કે પ્રાર્થનાનું પરિણામ આપનારો ઈશ્વર જ છે અને દરેકને તેની પાત્રતા મુજબ એ આપતો રહે છે. ‘ભગવાન સઉં ત નિત નઉં’ અહીં ‘સઉં’નો અર્થ કૃપા અને ‘નઉં’ એટલે નવું. મતલબ કે હોય જો ઈશની કૃપા તો રોજ નિત નવનીત મળે!