પ્રફુલ શાહ
હાઈડ્રોઈલેક્ટ્રીક. હાઈડ્રો એટલે પાણી/ જળ અને ઈલેક્ટ્રિકનો મતલબ વીજળી સંબંધિત. હાઈડ્રોઈલેક્ટ્રિકનો અર્થ જળવિદ્યુત, પાણીની શક્તિથી ઉત્પન્ન થતી વીજળી. આને લગતું ય એક કૌભાંડ નોંધાયેલું છે મેરા ભારત મહાન ખાતે!
ખરેખર, 1995નો કેરળના હાઈડ્રોઈલેક્ટ્રિક સ્કેમ તરીકે બદનામ થયેલો એસ.એન.સી.- લાવાલીન પ્રોજેક્ટ કેસના કેરળના સૌથી લાંબા સમય સુધી ચાલેલા વિવાદાસ્પદ વીજ-કરાર કેસોમાંનો એક છે. આ વિવાદાસ્પદ એસ.એન.સી.- લાવાલી પ્રોજેક્ટ હતો શું? આવો વિગતવાર સમજીએ.
1995માં કેરળના સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડે કેનેડિયન કંપની એસ.એન.સી.- લાવાલીન સાથે કેરળના ત્રણ જૂના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના આધુનિકીકરણ માટે કરાર કર્યો હતો. યાદ રહે કે કરાર હતા મોર્ડનાઇઝેશન વાસ્તે. આધુનિકીકરણ માટે પસંદ કરાયેલા ઇડુક્કી વિસ્તારમાં આવેલા પ્રોજેક્ટ હતા (1) પલ્લીવાસલ, (2) સેંગુલમ અને (3) પન્નિયાર. 1995ની 10 ઓગસ્ટના રોજ કેરળ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડે અને એસ.એન.સી.- લાવાલીન વચ્ચે કરાર પર સહી-સિક્કા થયા હતા. અત્યાર સુધી બધુ બરાબર હતું. અથવા એવું લાગતું હતું કે લગાડાતું હતું.
આખા મામલામાં વિવાદનું કેમ, કેવી રીતે અને ક્યારે ધૂણવા માંડ્યું? વિવાદનું કારણ 1992માં પડ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે 1992માં સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઑથોરીટીએ ઉપર દર્શાવાયેલા ત્રણ પ્રોજેક્ટના સંપૂર્ણ ‘રિનોવેશન’ના કેરળ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નહોતો. આ અંગે સી.ઈ.એ.નો મત હતો કે આ પ્રોજેક્ટો સંપૂર્ણપણે ખરાબ સ્થિતિમાં નહોતા એટલે ‘રિનોવેશન’ના બદલે તેમની ક્ષમતા વધારવી જોઈએ.
લાગે છે કે મોરલા ગમે તે ભોગે કળા કરવા મક્કમ જ નહીં, તલપાપડ પણ હતા. વિચારો કે કેન્દ્રીય મંજૂરી ન મળવા છતાં કેરળ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ ધરાર આગળ વધ્યું હતું. શા માટે?આ એક માત્ર અનુચિત કદમ નહોતું પણ એ તો પાશેરામાં પહેલી પૂણી હતી. 1995માં થયેલા રિનોવેશન કે આધુનિકીકરણના કરારને 1996ની 24મી ફેબ્રુઆરીએ ‘ક્ધસલ્ટન્સી એગ્રીમેન્ટ’માં ફેરવી નખાયો હતો અને ત્યારબાદ 1997માં એમાં ય ફેરફાર કરીને એને ઈક્વીપમેન્ટ સપ્લાય એગ્રિમેન્ટનું સ્વરૂપ આપી દેવાયું હતું.
આ તે કેવું એગ્રિમેન્ટ કે જે બદલાતું રહ્યું? શા માટે? કોના કહેવાથી?
સમય સાથે આ હાઈડ્રોઈલેક્ટ્રિક સ્કેમમાં હજી ઘણા પાણી બદલાવાના હતા ને વીજળીના આંચકા પર આંચકા લાગવાના હતા. ઘણાના નામ બહાર આવવાના હતા ને અનેક ખરડાવાના હતા. (ક્રમશ:)