Tue Oct 06 2026

Logo

સાત સમંદર પારઃ ‘પૅઈડ’ ગર્લ્સ સ્કેમ... માણસને એની લાગણીઓ જ છેતરે છે

2026-09-30 07:57:58
Author: Ravi Nayak
સાત સમંદર પારઃ ‘પૅઈડ’ ગર્લ્સ સ્કેમ... માણસને એની લાગણીઓ જ છેતરે છે

રવિ નાયક

વિશ્વના વિવિધ દેશોમાં હ્યુમન ઇમોશન્સ એટલે કે પ્રેમ, ભય, વિશ્વાસ, સહાનુભૂતિ વગેરેના આધારે લોકોને છેતરવાનો ધંધો સદીઓથી ધમધમી રહ્યો છે. આવા ફ્રોડ્સને સામાન્ય રીતે સોશ્યલ એન્જિનિયરિંગ, રોમાન્સ સ્કેમ્સ, ફિશિંગ, ઇમ્પોસ્ટર સ્કેમ્સ અને ડિજિટલ અરેસ્ટ જેવા નામથી ઓળખવામાં આવે છે. આમાં ફ્રોડસ્ટર્સ લોકોની ભાવનાઓ સાથે રમીને પૈસા કે માહિતી મેળવે છે. આ પ્રકારના ફ્રોડ્સમાં ભોગ બનનારા લોકો ભાગ્યે જ પોલીસ ફરિયાદ સુધી પહોંચે છે. એટલે દર વર્ષે કેટલા લોકો લાગણીઓને લીધે છેતરાયા એના વાસ્તવિક આંકડા ક્યારેય નથી મળતા.

નિષ્ણાંતોના મતે ટેકનોલોજીના ફેલાવા સાથે વિશ્વ સામે ઊભરી રહેલું એક સૌથી મોટું જોખમ એટલે હ્યુમન ઇમોશન્સને આધારે થતી છેતરપિંડી.

ઇન્ટરપોલના અંદાજ મુજબ 2025માં વૈશ્વિક નાણાકીય ફ્રોડથી લગભગ 442 બિલ્યનનું નુકસાન થયું, જેમાં સોશ્યલ એન્જિનિયરિંગ અને લાગણીઓ સાથેની રમતે મોટો ભાગ ભજવ્યો છે. Global Anti-Scam Alliance (GASA)ના 2025ના સર્વે મુજબ વિશ્વભરના 57 ટકા પુખ્ત વયના લોકોએ છેલ્લા વર્ષમાં કોઈ સ્કેમનો અનુભવ કર્યો, જે પૈકી 23 ટકા એ પૈસા ગુમાવ્યા પણ ખરા. આંકડાઓ સરખાવીએ તો હ્યુમન ઇમોશન્સને આધારે થતા સ્કેમ્સની ઇકોનોમી આખા ડેન્માર્ક દેશની જીડીપી કરતાં ય વધુ છે!

તાજેતરમાં સુરત સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ પાસે ‘બોસ સ્કેમ’ તરીકે ઓળખાતી મોડસ ઓપરેન્ડી ના ઘણા કેસ આવ્યા. ટેક્સટાઈલ માર્કેટ્સમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી વ્યક્તિને અજાણ્યા નંબર પરથી કામકાજ અંગેની પૃચ્છા કરતો મેસેજ આવતો. મેસેજની ભાષા બિલકુલ જે-તે પેઢીના બોસ જેવી જ રહેતી. એક વાર એકાઉન્ટન્ટને વિશ્વાસ બેસી જાય કે સામે છેડે ખુદ કંપનીના માલિક જ ચેટ કરી રહ્યા છે, એ પછી પેલા ઠગ દ્વારા કંપનીના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવાનો હુકમ અપાતો. બિચારો એકાઉન્ટન્ટ બોસના હુકમનો અમલ કરતો અને પૈસા ઠગના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જતા!

આમાં ઠગ ટોળકી વ્યક્તિની સાઈકોલોજી સાથે રમત કરી જાય છે. સાયબર એક્સપર્ટ્સ કહે છે કે અમુક કિસ્સામાં અનુભવી લોકો પણ આવી છેતરપિંડીનો ભોગ બને છે, કારણકે ફ્રોડ તમારી વિચારવાની અને બૌદ્ધિક પૃથક્કરણ કરવાની ક્ષમતાને આધારે થતું હોય છે અને આ જ વાત આવા ફ્રોડને અત્યંત ખતરનાક બનાવે છે. જ્યાં વ્યક્તિ પોતે જ કોઈકની વાતમાં આવી જઈને તગડી રકમ ટ્રાન્સફર કરી આપતો હોય, ત્યાં બીજું કોઈ શું કરે!

હકીકતે લાગણીઓને આધારે થતી છેતરપિંડી એ ઠગ ટોળકી દ્વારા વપરાતી જમાના જૂની ટેક્નિક છે. સદીઓથી ઠગ લોકો કોઈકને લાલચ આપીને તો કોઈકને ભરમાવીને આરામથી પોતાનું ધાર્યું કરાવી લે છે. જેમ બોસ સ્કેમમાં કોઈકના ઓર્ડરને ક્રોસ ચેક કર્યા વિના ફોલો કરવાની માનસિકતા જવાબદાર છે. જરૂર ન હોય ત્યાં વધુ પડતું મગજ વાપરવું નહિ, એવો સામાન્ય માણસનો અતિસામાન્ય નિયમ અહીં નડી જાય છે.


શિકારની માનસિકતા પર કાબૂ મેળવીને થતી છેતરપિંડીનો જમાના જૂનો પ્રકાર એટલે ‘ક્લિપ જોઇન્ટ સ્કેમ.’  આ સ્કેમના મૂળિયાં ગ્રીસ, ઈટાલી જેવા યુરોપિયન દેશોથી માંડીને થાઈલેન્ડ અને ફિલિપાઈન્સ જેવા એશિયન દેશોની નાઈટ લાઈફમાં રહેલા છે. આ સ્કેમ કરનારાઓની મોડસ ઓપરેન્ડી બહુ મજેદાર હતી, કેમકે એમાં સીધી નજરે કોઈ ગુનો બનતો જ નહોતો! થાય એવું કે એકલદોકલ પુરુષ મુસાફરો સફરના ભાગરૂપે કોઈ એક શહેરની મુલાકાતે આવ્યા હોય. 

હવે આવા પુરુષોની માનસિકતા લગભગ એકસરખી હોવાની. દિવસોથી એકલો સફર કરતો હોય, ઘરથી દૂર હોય અને મુસાફરીનો થાક ઉતારવા-સાંજને છેડે જરા રિલેક્સ થવાના હેતુસર શહેરમાં રખડવા નીકળ્યો હોય. હવે થાય એવું કે એકાદ સ્થળે એને કોઈક સુંદર યુવતી જોવા મળે. પહેલા આંખ મળે, પછી સ્માઈલની આપ-લે થાય. પછી તો બે ય વાતે વળગે અને પેલી સ્ત્રી પાસેથી એ શહેર વિષે ઘણી વાતો ય જાણવા મળે. 

પુરુષો જ્યારે ‘આ પ્રકારની’ માનસિક અવસ્થામાં હોય ત્યારે એમની કુદરતી બૌદ્ધિક ક્ષમતા ઉપર ભોળપણનું આવરણ છવાઈ જાય છે. અર્જુનને જેમ માછલીની આંખ જ દેખાતી હતી, એમ આપણા ભોળિયાભાઈનું સમગ્ર ધ્યાન પેલી સ્ત્રી સાથે વધુને વધુ સમય કેમ વિતાવવો એ શોધવામાં લાગી જાય. પેલીને ય આ જ જોઈતું હોય. એ એકાદ રેસ્ટોરન્ટનો ઉલ્લેખ કરે અને ત્યાંના ભોજનના મોંફાટ વખાણ કરે. સાથે જ ત્યાંનું ફૂડ જરા મોંઘું હોવાથી પોતે એનો લુત્ફ ઉઠાવી શકે એમ નથી, એવી લાચારી ય વ્યક્ત કરે. બસ, ખેલ ખલાસ! અહીં પેલા ભોળિયાભાઈ લાંબું વિચાર્યા વિના મેદાનમાં કૂદી પડે ચિંતા ન કરો, આજનું ભોજન મારા તરફથી!

બસ ફિર ક્યા! બંને જણ પેલી રેસ્ટોરાંમાં જઈને ભરપેટ ભોજન કરે અને પેલી સુંદર યુવતીનો સાગરીત એવો રેસ્ટોરાં માલિક એવું લાંબુંચોડું બિલ ફટકારે કે ભોળિયાભાઈના હોશ ઉડી જાય! મોકો જોઈને સ્ત્રી પણ ત્યાંથી સરકી જાય અને પેલા બિચારા પુરુષે તગડું બિલ ચૂકવ્યા બાદ હાથ ઘસતા ઘસતા પાછા ફરવું પડે! જરાય ધાકધમકી, ચોરી-ચપાટી કે દેખીતી છેતરપિંડી કર્યા વિના આવા બિચારાને ઠગી લેવાય. આ જમાના જૂની ટેક્નિક આજે ય ચાલુ છે, જ્યાં નાની-મોટી લાલચ આપીને કોઈ વ્યક્તિને બિનજરૂરી માલ અત્યંત મોંઘા ભાવે પધરાવી દેવામાં આવે.

ઈન્ટરનેટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને પરિવારથી દૂર રહેતા એકલવાયા પુરુષોની વધતી જતી સંખ્યા જેવાં પરિબળોએ લાગણીને આધારે રમાતા કૌભાંડોને નવી ધાર આપી છે. આજે તો હવે એકલવાયા પુરુષોને વિવિધ સોશ્યલ મીડિયા એપ્સ દ્વારા મધુર મોહક માદક સહવાસની લાલચ આપીને લૂંટી લેવાના કિસ્સા પણ પ્રચૂર માત્રામાં બને છે, જે  ‘પેઈડ ગર્લ’ સ્કેમ તરીકે ઓળખાય છે. સોશ્યલ મીડિયા પર મીઠી મીઠી વાતો કરીને ભરમાવતી યુવતી તમારી પાસે હોટેલનો રૂમ બુક કરાવે અને પછી એના જ સાગરીતો નકલી પોલીસ બનીને હોટેલ પર છાપો મારે!

આખરે મોરલ ઓફ ધી સ્ટોરી - પદાર્થ પાઠ એ જ છે કે દરેક યુગમાં માણસની પોતાની અનિયંત્રિત લાગણીઓ જ એની સાથે થતી છેતરપિંડી માટે નિમિત બને છે.