Mon Oct 05 2026

Logo

તસવીરની આરપારઃ નવલા નોરતાનું આગમન ને ટિપ્પણી નૃત્યની ઝાંખી

2026-09-30 07:58:02
Author: Bhatti N
તસવીરની આરપારઃ નવલા નોરતાનું આગમન ને ટિપ્પણી નૃત્યની ઝાંખી

ભાટી એન.

નવલા નોરતાના આગમનની  સાથે જ ગુજરાતની ધરતી પર થનગનાટ જાગી ઊઠ્યો છે. તા. 11/10/2026, આસો સુદ એકમથી ચોરે-ચોકમાં ગરબીઓ પધરાવવામાં આવશે અને ઢોલના તાલે રાસ-ગરબાની રમઝટ જામશે. 

ભક્તિ અને લોકસંસ્કૃતિના આ પાવન પર્વમાં અંબા માતાની આરાધના સાથે સમગ્ર વાતાવરણ જાણે રંગ, રાગ અને રાસથી ઝળહળી ઊઠશે. રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે, તેની તાલી પડે ત્રણ લોકમાં રે... જેવા લોકસૂર હૈયાને હરખાવી દેશે.

ગુજરાતની લોકપરંપરામાં ટિપ્પણી નૃત્યનું સ્થાન વિશિષ્ટ અને આગવું છે. સૌરાષ્ટ્રનાં વિવિધ પંથકની ધરતીમાંથી જન્મેલું આ પ્રાચીન શ્રમપ્રધાન લોકનૃત્ય માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ મહેનતકશ માનવીના પરિશ્રમ, કલ્પનાશક્તિ અને જીવનરસનું જીવંત દસ્તાવેજ છે. જૂના સમયમાં મકાનનું ભોંયતળિયું કે છત મજબૂત કરવા ચૂનો-માટી પાથરતી કોળી સમાજની મહિલાઓ શ્રમની એકવિધતા અને થાકને ભૂલવા ગીત અને તાલનો સહારો લેતી. આ જ મહેનતના પસીનામાંથી ટિપ્પણી નૃત્યની અનોખી લોકકળાએ આકાર લીધો.

ટિપ્પણી નૃત્યમાં બે હરોળમાં સામસામે ઊભેલી મહિલાઓ હાથમાં લાંબી લાકડાની ટિપ્પણીઓ ધારણ કરી તાલબદ્ધ રીતે જમીન પર પછાડે છે. આશરે 175 સેન્ટિમીટર લાંબી આ લાકડાના છેડે ચોરસ લાકડાનો કે લોખંડનો ભાગ જોડાયેલો હોય છે. તુરી, પિત્તળની થાળી, ઝાંઝ, મંજીરા, તબલા, ઢોલ અને શરણાઈ જેવા વાજિંત્રોના સૂર વચ્ચે લોકગીતો ગવાય છે અને ટિપ્પણીના તાલ સાથે પગલાં પડે છે. ટકોરના દરેક પડઘામાં જાણે વર્ષો જૂના શ્રમની ગાથા અને લોકજીવનની ધબકતી કવિતા સંભળાય છે.

વીજળી જેવી ઝડપ, ચંચળ અંગસંચાલન અને અદમ્ય ઉત્સાહ એ ટિપ્પણી નૃત્યની ઓળખ છે. તેમાં મહેનતને ઉત્સવમાં અને પરિશ્રમને કળામાં ફેરવી નાખનાર શ્રમજીવી સમાજની અદ્ભુત કોઠાસૂઝ દેખાય છે. આજે પણ ગુજરાતના લોકોત્સવો અને સાંસ્કૃતિક પ્રસંગોમાં ટિપ્પણી નૃત્ય રજૂ થાય ત્યારે ભૂતકાળની લોકપરંપરા વર્તમાન સાથે હાથ મિલાવતી જણાય છે. 

નવલા નોરતાની રાસરંગભરી રાત્રિઓમાં જ્યારે ગરબીના દીવડાં ઝળહળશે અને ટિપ્પણીના તાલે ધરતી ધ્રૂજી ઊઠશે, ત્યારે ગુજરાતની ધરતી ફરી એકવાર પોતાની સમૃદ્ધ લોકસંસ્કૃતિનો ગૌરવગાન ગાતી જોવા મળશે.