Tue Oct 06 2026

Logo

હરિશંકર પરસાઈની વ્યંગ મસ્તીઃ આધુનિક પંચતંત્રની પાંચ હાસ્યકથા

2026-09-30 07:50:19
Author: Sanjay Chhel
હરિશંકર પરસાઈની વ્યંગ મસ્તીઃ આધુનિક પંચતંત્રની પાંચ હાસ્યકથા

સંજય છેલ

ઉપદેશ
‘સેવકજી’ નારી આંદોલનના મોટા સમર્થક હતા. સ્ત્રીઓને સામાજિક સ્વતંત્રતા મળે એ માટે તે જોરશોરથી લડતા.
એક સભામાં ‘સેવકજી’એ ભાષણ આપ્યું: ‘હવે આપણે આપણી સ્ત્રીઓને સ્વતંત્રતા આપવી પડશે. તેમના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર કરવો પડશે. તેમને ઘરની ચાર દીવાલોમાં પૂરી રાખીને આપણે સદીઓથી સમાજના અડધા હિસ્સાને નિષ્ક્રિય બનાવી દીધો છે. હવે સમય બદલાઈ ગયો છે. સ્ત્રીઓએ ઘરની બહાર નીકળીને સમાજનાં સારાં કાર્યોમાં પોતાનો ફાળો આપવો જોઈએ.’

સેવકજીના આ સુધારાવાદી ભાષણની બધાએ ખૂબ પ્રશંસા કરી. ભાષણ પછી ફોટા પડાવીને, હારતોરા લઇને ઘરે પહોંચ્યા. એ સાંજે થોડીવાર બાદ દીકરાએ આવીને કહ્યું: ‘બાપુજી, મમ્મી નારી મંગળ સમિતિના કાર્યક્રમમાં ભાગ લેવા જવા માગે છે.’  

સેવકજીની આંખો લાલપીળી થઇ ગઇ અને એકદમ ગુસ્સે થઇ બોલ્યા: ‘એને કહી દે, ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં છે ત્યાં ચૂપચાપ બેઠી રહે. દુનિયા સામે આમ માથું ઉઠાવીને વટથી બહાર નીકળવું છે, એમ!? કંઈ લાજશરમ જેવું છે કે નહીં?’

દીકરો મૂંઝાઈ ગયો. તેણે કહ્યું: ‘પણ બાપુજી, હમણાંજ તો પેલી સભામાં તમે જ કહ્યું કે સ્ત્રીઓએ ઘરની બહાર નીકળવું જોઈએ, સમાજમાં સક્રિય હિસ્સો લેવો જોઇએ!’

સેવકજીએ દીકરાને વઢતાં કહ્યું: ‘રહેવા દે તારી દલીલો.. તું હજી નાદાન બાળક છે. ખરી વાત સમજતો જ નથી. અરે, ‘સ્ત્રીઓએ બહાર નીકળવું જોઈએ’ એવું કહેવાય ત્યારે એનો અર્થ ‘બીજાની સ્ત્રીઓ’ થાય, આપણા ઘરની નહીં !’

લિફ્ટ 
એક મોટા મકાનની ભવ્ય ઓફિસમાં બે જણા એક જ વિભાગમાં એકસરખા હોદ્દા પર સાથે કામ કરતા હતા. બેની ઓફિસ બીજા માળે હતી. અવારનવાર સવારસવારમાં બન્ને ઓફિસના ભોંયતળિયે મુખ્ય દરવાજા પાસે એક જ સમયે ટકરાઇ જતા ને વાતો કરતાં કરતાં દાદરા ચડીને ઉપર પહોંચતા.

એક દિવસ ઓફિસના એક બીજા જ વિભાગમાં એક ઊંચો હોદ્દો ખાલી પડ્યો. બન્નેએ એ હોદ્દો મેળવવા પોતપોતાની રીતે પ્રયત્નો શરૂ કરી દીધા.

એ ઊંચા હોદ્દાની ઓફિસ ચોથા માળે હતી.
એ દરમિયાન એક જણ રજા લઈને પોતાના ગામે ગયો. બીજો અહીં રહીને પ્રમોશન માટે સતત પ્રયત્નો કરતો રહ્યો,  પણ તેની કોશિશ કરવાની રીત એવી હતી કે આખી ઓફિસમાં એની ચર્ચા થવા લાગી. દરમિયાનમાં પહેલો કર્મચારી રજા પરથી પાછો કામે ચઢ્યો ત્યારે તેના કાને પણ એ બધી વાતો આવી ગઈ, જે અત્યાર સુધી બન્ને એકબીજાથી છુપાવતા હતા.

એક દિવસ બન્ને ફરી નીચે મળ્યા. પહેલો માણસ દાદરા તરફ વળ્યો, જ્યારે બીજો લિફ્ટ તરફ ગયો.
પહેલાએ પૂછ્યું: ‘કેમ, આજે દાદરા નથી ચડવા?’
બીજાએ કહ્યું: ‘મારે હવે ચોથા માળે પહોંચવાનું છે ને? પ્રમોશન! ત્યાં કંઈ દાદરા ચડીને જવાય? લિફ્ટથી જ જવું પડેને?’

દુ:ખ 
એ દિવસે એક ઓફિસના બધા કર્મચારીઓ ખૂબ દુ:ખી હતા. તેમની સાથે કામ કરતા એક માણસની બદલી થઈ ગઈ હતી. એ માણસ બહુ ભલો હતો. તેની વિદાય માટે ઓફિસમાં નાનકડો સમારંભ રાખવામાં આવ્યો હતો.

ઘણા સાથીઓએ ભાષણ આપ્યાં. કોઈએ કહ્યું: ‘આજે તો એવું લાગે છે જાણે આપણું કોઈ અંગ આપણાથી છૂટું પડી રહ્યું હોય.’

એવામાં એક ખૂણામાં બેઠેલો બીજો જ કોઇ કર્મચારી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. તેની આંખમાંથી આંસુ અટકતા જ નહોતા. કોઈએ પેલાની પાસે જઈને પૂછ્યું: ‘કેમ ભાઈ? પેલો જાય છે એનું આટલું બધું દુ:ખ તમને થાય છે?’

‘હા...’ તેણે ડૂસકાં ભરતાં કહ્યું.
‘એટલે? તમે એને એટલા બધા, ઓફિસમાં સૌથી વધારે ચાહો છો?’
‘ના, એવી વાત નથી.’
‘તો પછી આટલા ધ્રુસ્કે ધ્રુસ્કે રડો છો શા માટે?’
પેલાએ રૂંધાયેલા અવાજે ગળગળા થઇને કહ્યું: ‘એટલા માટે કે આ હરામખોરની બદલી થઈ ગઈ...ને મારી હજી સુધી નથી થઈ!’

પહેલાએ કહ્યું: ‘હા ભાઈ, હવે તો તું લિફ્ટથી જ જાયને? મારા આ દાદરા તો મારા હોદ્દા ને મારા શરીરની જેમ ઘરડા, જાડા ને ખખડધજ થઇ ગયા છે!’ 

મિત્રતા 
બે લેખક હતા. એકબીજા સાથે ખૂબ ઝઘડતા. એકબીજાને ઉતારી પાડવાનો એક પણ મોકો ચૂકતા નહીં. મેં ઘણી કોશિશ કરી કે બંને વચ્ચે દોસ્તી થઈ જાય, સમાધાન થાય પણ કંઈ વળ્યું નહીં. હું ત્રણ-ચાર મહિના માટે બહારગામ ગયો. પાછો આવ્યો ત્યારે જોયું તો બંને વચ્ચે પાકી દોસ્તી થઈ ગઈ હતી. સાથે બેસતા, સાથે ચા પીતા અને કલાકો સુધી ગપ્પાં મારતાં....જાણે વર્ષો જૂની મિત્રતા ના હોય!

મેં અમારા કોમન મિત્રને પૂછ્યું, ‘અલ્યા, આ બે સાપનોળિયા વચ્ચે અચાનક આટલી ગાઢ યારી કેવી રીતે થઈ ગઈ? આ પાંગરેલા પ્રેમનું રહસ્ય શું છે?’
મિત્રએ કહ્યું, ‘એમાં શું છે કે હવે એ બંને સાથે મળીને કોઇ ત્રીજા જ લેખકની  દિનરાત કૂથલી કરે છે! સમજ્યો?’

જાતિ  
કારખાનું શરૂ થયું અને કામદારો માટે નવી કોલોની પણ બની ગઈ. ઠાકુરપુરાથી ઠાકુર સાહેબ અને બ્રાહ્મણપુરાથી પંડિતજી કારખાનામાં કામ કરવા આવ્યા. બેઉ આસપાસ પડોસમાં નજીકના જ બ્લોકમાં રહેવા લાગ્યા.

ઠાકુર સાહેબનો દીકરો અને પંડિતજીની દીકરી બંને યુવાન હતાં. એકબીજાના પરિચયમાં આવ્યાં. પરિચય ધીમે ધીમે પ્રેમમાં ફેરવાયો ને વાત લગ્ન સુધી પહોંચી.

લગ્નની વાત નીકળી ત્યારે પંડિતજી બોલ્યા, ‘આ કેવી રીતે ચાલે? બ્રાહ્મણની દીકરી ઠાકુર સાથે લગ્ન કરે? આપણી જાતિની આબરૂનું શું?’

ઠાકુર સાહેબ પણ બોલ્યા, ‘એ તો શક્ય જ નથી. બીજી જાતિમાં લગ્ન કરીએ તો આપણી જાતિની ઇજ્જત જાય!’

કોઈક બ્રાહ્મણ અને ઠાકુર બેઉને સમજાવ્યા, ‘છોકરો ને છોકરી બંને હવે જુવાન મેચ્યોર થઇ ગયા છે, ભણેલાગણેલા છે, સમજદાર છે. કરવા દો એમને લગ્ન પોતપોતાની મરજીથી. તમે લગ્ન નહીં કરાવો તો પણ બંને છાનાંછપનાં મળતાં રહેશે. પછી એમના સંબંધને વ્યભિચાર કહેવાશે.’

આ સાંભળીને ઠાકુર સાહેબ અને પંડિતજી બંને એક સાથે બોલ્યા: ‘ભલે મળતાં. વ્યભિચારથી જાતિ નથી બદલાતી કે અભડાતી, લગ્નથી અભડાય છે!’