મૃતદેહને સાચવવાની પ્રક્રિયા પાછળ 50 લાખનો ખર્ચ કર્યો: શબ અમેરિકામાં મોકલવાનું પરિવાર વિચારતો હતો
મુંબઈ: મલાડમાં બનેલા અસાધારણ કિસ્સામાં લાગણીશીલ પરિવારના સભ્યોએ વૃદ્ધ પિતાના કુદરતી મૃત્યુ પછી તેમના શબને ચાર વર્ષ સુધી ફ્રીઝરમાં સાચવી રાખ્યું હતું. શબને સાચવવાની પ્રક્રિયા પાછળ આ કુટુંબે 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. મૃતદેહ અમેરિકા મોકલવાનો વિચાર પરિવાર કરતો હતો, પરંતુ રિડેવલપમેન્ટ માટે ડે-કૅર સેન્ટરનો પરિસર ખાલી કરવામાં આવતાં આ મામલો સામે આવ્યો હતો.
જોકે 80 વર્ષના વૃદ્ધના મૃત્યુ બાબતે કોઈ શંકા નથી. કૅન્સર, કિડનીની સમસ્યાથી પીડાતા વૃદ્ધનું 2022માં મૃત્યુ થયું હતું. પરિવારે ડૉક્ટર પાસેથી ડેથ સર્ટિફિકેટ મેળવ્યું હતું, જેના આધારે વૃદ્ધનું નિધન કુદરતી હોવાની ખાતરી થઈ હતી, એવું કુરાર પોલીસનું કહેવું છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જૂન, 2022માં વૃદ્ધનું મૃત્યુ થયું હતું. લાગણીશીલ પરિવારે ઊંડા ભાવનાત્મક જોડાણને કારણે મૃતકના અંતિમક્રિયા ન કરવાનો નિર્ણય લીધો હતો. પરિણામે શરૂઆતમાં મલાડ સ્થિત ઘરમાં ફ્રીઝરમાં શબને રાખવામાં આવ્યું હતું. બાદમાં ડે-કૅર સેન્ટરમાં ફ્રીઝરમાં મૃતદેહ સાચવી રાખવામાં આવ્યો હતો.
મૃતકની પત્ની અને બે સંતાન છે, જેમાંથી એક દીકરી વકીલ હોવાનું કહેવાય છે. દીકરી અંધેરીમાં રહે છે. પિતાના શબને સાચવી રાખવાની પ્રક્રિયા પાછળ પરિવારના સભ્યોએ 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું પોલીસનું કહેવું છે.
મલાડના જે ડે-કૅર સેન્ટરમાંના ફ્રીઝરમાં મૃતદેહ સાચવી રાખવામાં આવ્યો હતો તે પણ છેલ્લા એક મહિનાથી બંધ છે. સેન્ટરનો પરિસર રિડેવલપમેન્ટમાં ગયો હોવાથી શબને ખસેડવાની ફરજ પડી હતી, જેને પગલે આ મામલો સામે આવ્યો હતો.
મૃતદેહની જાણ થતાં કુરાર પોલીસની ટીમ સોમવારની રાતે ડે-કૅર સેન્ટર પહોંચી હતી. પરિવારના સભ્યોએ પૂરતા દસ્તાવેજો રજૂ કરતાં પોલીસને શંકાસ્પદ જેવું કંઈ જણાયું નહોતું. હાલમાં આ મામલે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. જોકે પોલીસ કાનૂની સલાહ લેવાનું વિચારી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ અમેરિકામાં વર્ષો સુધી મૃતદેહ સાચવી રાખવાની સુવિધા છે. એ બાબતે પરિવારના સભ્યોએ ઈન્ટરનેટ પર સર્ચ સુધ્ધાં કર્યું હતું. મૃતદેહને લાંબો સમય સાચવી રાખવા માટે અમેરિકા લઈ જવાનું વિચારવામાં આવી રહ્યું હતું.