એન્ટવર્પઃ બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં ૧૦ માળની રહેણાંક ઇમારતમાં આગ ફાટી નીકળતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અનેક ઘાયલ થયાના અહેવાલ છે. આ જાણકારી પોલીસે આપી હતી.
એન્ટવર્પ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે શહેરના લિંકોરોવર વિસ્તારમાં આવેલી ઇમારતના આઠમા માળે સવારના સુમારે આગ લાગી હતી. આ ઇમારતમાં ૨૦૦થી વધુ લોકો રહે છે. આગ ફાટી નીકળવાથી આકાશમાં ધુમાડાના વાદળો છવાઇ ગયા હતા.
એન્ટવર્પ પોલીસના પ્રવક્તા કિમ બાસ્ટિયાન્સે જણાવ્યું કે અત્યાર સુધીમાં આ આગમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે કેટલાકને નાની-મોટી ઇજાઓ થઇ છે. દુર્ઘટનાને પગલે ૧૦ માળની ઇમારત ખાલી કરાવવામાં આવી હતી.
જો કે આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. પરંતુ બાસ્ટિયાન્સે જણાવ્યું કે આગ ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થઇ હતી અને ફોરેન્સિક નિષ્ણાંતો ઘટનાસ્થળની તપાસ કરી રહ્યા છે. બેલ્જિયમના વડા પ્રધાન બાર્ટ ડી વેવરે જણાવ્યું કે મારી સંવેદનાઓ લિંકોરોવરમાં લાગેલી ભીષણ આગના પીડિતો અને સ્થળાંતર કરનારાઓ સાથે છે. લિંકોરોવર એન્ટવર્પના પૂર્વ ભાગમાં આવેલું છે. આ એક મોટો રહેણાંક વિસ્તાર છે.