અમદાવાદઃ સુરતના પોલીસ કમિશનરની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે IPS અનુપમસિંહ ગેહલોત અમદાવાદના નવા પોલીસ કમિશનર બન્યાં છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા આની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આઈપીએસ અનુપમસિંહ ગેહલોત ગુજરાતના એક ખૂબ જ અનુભવી અને સક્ષમ સિનિયર પોલીસ અધિકારી છે, હવે તમને અમદાવાદ શહેરની જવાબદારી સોંપવામાં આવી છે.
સુરતમાં પોલીસ કમિશનર તરીકે કોણ આવશે?
જી. એસ. મલિક DGP બન્યા તે બાદ અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરની જગ્યા ખાલી પડી હતી. તે જગ્યાએ હવે સુરતના વર્તમાન પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતની બદલી કરીને નિમણૂક કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આઈપીએસ અનુપમ સિંહ ગેહલોતની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી હોવાથી હવે સુરત કમિશનરની જગ્યા ખાલી પડી છે, આ જગ્યા માટે હજી સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
આ જગ્યાએ સેવા આપી ચૂક્યાં છે અનુપમસિંહ ગેહલોત
આઇપીએસ (IPS) અધિકારી અનુપમસિંહ ગેહલોત (Anupam Singh Gehlot) ગુજરાત કેડરના 1997ની બેચના વરિષ્ઠ પોલીસ અધિકારી છે. આઇપીએસ અનુપમસિંહ ગેહલોતે ભાવનગર અને પાટણ જિલ્લામાં SP તરીકે, વડોદરામાં રેન્જ આઈજી (Range IG) તેમજ બે વખત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી છે. આ સાથે રાજકોટ શહેરના પોલીસ કમિશનર તરીકે પણ કાર્યરત રહી ચૂક્યા છે. એટલું જ નહીં પરંતુ ગુજરાત આઇબી (IB) માં પણ પોતાની સેવાઓ આપી છે. સુરતમાં તેણે કમિશનર તરીકે રહ્યાં ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે 'ઓપરેશન બાંગ્લાદેશી' જેવી મહત્વની ઝુંબેશો ચલાવી હતી.