ચોમાસુ સત્રમાં નવો કાયદો લાવવાની તૈયારીમાં સરકાર: વિપક્ષ સખત વિરોધમાં...
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આગામી ચોમાસુ સત્રમાં દેશની રાજકીય અને બંધારણીય વ્યવસ્થાને બદલી નાખે તેવું એક મોટું સંશોધન વિધેયક લાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવિત કાયદા હેઠળ જો કોઈ મંત્રી, મુખ્યમંત્રી (CM) કે વડા પ્રધાન (PM) ગંભીર ગુનાના આરોપમાં સતત 30 દિવસથી વધુ સમય સુધી કસ્ટડીમાં રહેશે, તો તેમનું પદ આપોઆપ રદ થઈ જશે.
જોકે, આ વિધેયક પહેલા પણ સદનમાં પેશ કરવામાં આવ્યું હતું, પરંતુ વિપક્ષના વિરોધના કારણે તે કાયદો ના બની શક્યું! આ સંશોધન વિધેયક આ ચોમાસું સત્રમાં ફરી પેશ કરવામાં આવી શકે છે, પરંતુ આ વખતે પાસ થશે કેમ? તે એક પ્રશ્ન છે, ચાલો વિગતે ચર્ચા જાણીએ...
આ બંધારણીય સુધારા વિધેયકની ખાસ વાત શું છે?
આ વિધેયક ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, વિપક્ષના ભારે વિરોધ અને હોબાળા બાદ તેને વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા માટે જેપીસી પાસે મોકલી દેવાયું હતું. હાલમાં ભાજપના સાંસદ અપરાજિતા સારંગી આ સમિતિના અધ્યક્ષ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિધેયકમાં સૌથી વિવાદાસ્પદ પ્રાવધાનને યથાવત રાખવામાં આવી શકે છે.
આ વિધેયકની વાત કરવામાં આવે તો જો કોઈ પ્રધાન કે મુખ્ય પ્રધાન કે વડા પ્રધાન પર એવો આરોપ હોય જેમાં 5 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ હોય, અને તેઓ સતત 30 દિવસ સુધી પોલીસ અથવા ન્યાયિક કસ્ટડીમાં રહે તો 31મા દિવસે તેઓ આપોઆપ પદ પરથી હટી જશે. જો આ બિલ કાયદો બને તો 30 દિવસની અટકાયત પૂર્ણ થતાં જ રાષ્ટ્રપતિ ( જે કેન્દ્રીય પ્રધાનો અને PM ના કિસ્સામાં) અથવા રાજ્યપાલ ( જે રાજ્યના પ્રધાનો/સીએમના કિસ્સામાં) દ્વારા અથવા નિયમ અંતર્ગત સ્વતઃ પદમુક્તિની પ્રક્રિયા અમલી બનશે.
વિપક્ષનો છે સજ્જડ વિરોધ
સરકાર આ બિલને જેપીસીની ભલામણો અને જરૂરી સુધારાઓ સાથે 20 જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્રમાં રજૂ કરે તેવી પ્રબળ શક્યતા છે. વિરોધ પક્ષો આ બિલનો શરૂઆતથી જ વિરોધ કરી રહ્યા છે અને મોટા ભાગના વિપક્ષી પક્ષોએ આ જેપીસીનો બહિષ્કાર પણ કર્યો છે. સંયુક્ત સંસદીય સમિતિમાં સામેલ અસદુદ્દીન ઓવૈસી અને સુપ્રિયા સુળે જેવા દિગ્ગજ વિપક્ષી નેતાઓ આ રિપોર્ટ પર પોતાનો અસંમતિ નોટ આપી શકે છે.
વિપક્ષ શા માટે વિરોધ કરી રહ્યું છે?
આ વિધેયક મામલે વિપક્ષનું કહેવું છે કે, અદાલત દ્વારા દોષિત સાબિત થયા પહેલા માત્ર કસ્ટડી અથવા અટકાયતના આધારે આવી મોટી કાર્યવાહી કરવી તે ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આ ખરડાને જોહુકમી અને ભારતના સંઘીય માળખા પર પ્રહાર ગણાવવામાં આવી રહ્યું છે, કારણ કે તેનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષોના મુખ્ય પ્રધાનોને નિશાન બનાવી શકાય છે. એટલે કે સત્તાધારી પક્ષ આનો ફાયદો ઉઠાવીને વિપક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી શકે છે, તેવી આશંકા સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.