મુંબઈઃ મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે વિધાનસભામાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં 12,000થી વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) બંધ થયા હોવાનો અહેવાલ "આંશિક રીતે સાચો" છે.
ભાજપના ધારાસભ્ય અને ભૂતપૂર્વ નાણાપ્રધાન સુધીર મુનગંટીવારે પ્રશ્ન કર્યો હતો કે શું ચાર વર્ષમાં 12,000થી વધુ નાના ઔદ્યોગિક એકમો કોવિડ-19 પછીની પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને બળતણ અને વીજળીના ભાવમાં વધારાને કારણે બંધ થઈ ગયા છે.
પોતાના લેખિત જવાબમાં સાવંતે જણાવ્યું હતું કે આંશિક રીતે આ સાચું છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં એમએસએમઈ ક્ષેત્રના કેટલાક ઔદ્યોગિક એકમો બંધ થઈ ગયા છે.
પ્રધાને પશ્ચિમ એશિયામાં સંઘર્ષને એક પરિબળ તરીકે ગણાવ્યું હતું, સાથે દાવો કર્યો હતો કે રાજ્ય સરકારે ડિસેમ્બર 2025માં જાહેર કરાયેલ ઔદ્યોગિક નીતિ હેઠળ બંધ ઔદ્યોગિક એકમોને ફરી શરુ કરવા માટે પગલાં લીધાં છે.
તેમણે ઉમેર્યું હતું કે એમએસએમઈ ક્ષેત્રને ટેકો આપવા અને ઔદ્યોગિક પુનરુત્થાનને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સરકાર ઉદ્યોગોને વિવિધ પ્રોત્સાહનો આપી રહી છે.