નવી દિલ્હીઃ ટેક્નોલોજીની દુનિયામાં જેની સૌથી વધારે ચર્ચા છે એ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે. ગણતરીની સેકન્ડમાં રીઝલ્ટ આપીને મસમોટું કામ સરળતાથી કરી આપતી ટેક્નોલોજીના ઉપયોગને લઈને હવે સરકારી કચેરીમાં તપાસ કરવામાં આવી છે. એઆઈની મદદથી દરેક સેક્ટર ગ્રો થઈ રહ્યું છે. આ ખૂબ સારી વાત છે પણ ટુલ્સનો ખોટો ઉપયોગ કરનારા સામે સરકાર એક્શન લેવાના મૂડમાં છે. જો સરકારી કચેરીમાં એઆઈના કોઈ ટુલ્સનો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો.સરકારે એઆઈ ટુલ્સને લઈને એક એલર્ટ જાહેર કરી દીધું છે. ચેતવણી આપી છે.એક રિપોર્ટ અનુસાર CERT-In એ તાજેતરમાં ચેતવણી આપી હતી કે, નવી નજરેશનના કેટલાક નવા AI મોડેલો સાયબર હુમલાઓને પહેલા કરતા વધુ ઝડપી અને વધુ અસરકારક બનાવી શકે છે.
સિસ્ટમ ક્રેશ થવાનો ભય
આ અદ્યતન AI સિસ્ટમ્સની મદદથી, સાયબર હુમલાખોરો ભૂતકાળ કરતાં ઘણી ઝડપથી અગાઉથી ગોઠવેલી કેટલીક સિસ્ટમને ક્રેશ કરી શકે છે. આ જોખમને ધ્યાને રાખીને સરકારે એલર્ટ જાહેર કર્યું છે. સરકારી સંસ્થાઓને એવી સલાહ આપવામાં આવી છે કે, તે સિસ્ટમમાં રહેલી કેટલીક એરરને 12થી 14 કલાકમાં યોગ્ય રીતે ઉકેલીને પ્રોગ્રામ શરૂ કરી દે.આનાથી આવનારા સમયમાં કોઈ પણ અચાનક સાયબર હુમલો થાય તો જે તે સિસ્ટમ અને સર્વસ બન્નેને બચાવી શકાય. એજન્સીએ સરકારી વિભાગો દ્વારા AI પ્લેટફોર્મના ઉપયોગ અંગે અનેક ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. આ સાથે જ તેમના ઉપયોગને નિયંત્રિત કરવાના પગલાં પણ લીધા છે.
આ સિસ્ટમ હવે ફરજિયાત
વિભાગોને મહત્વપૂર્ણ સિસ્ટમો માટે મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA) ને ફરજિયાત રીતે મજબૂત બનાવવા સૂચના આપવામાં આવી છે. તમામ જરૂરી સુરક્ષા અપડેટ્સ અને પેચોનું સમયસર ઇન્સ્ટોલેશન જરૂરી છે.જેથી કેટલીક એરર અને અચાનક થનારા સાયબર હુમલાને લઈને એલર્ટ રહી શકાય. મૂલ્યાંકન અને સુરક્ષા ઓડિટ પણ હાથ ધરવા જોઈએ. ઈન્ટરનેટ-કનેક્ટેડ સર્વર્સ અને નેટવર્ક્સનું સતત, નજીકથી નિરિક્ષણ કરવું જરૂરી છે.આ ટુલ્સથી સાવચેત રહેવું એટલા માટે જરૂરી છે કારણ કે, એ ટુલ્સમાંથી લેવા કે દેવામાં આવતો ડેટા ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે. એક મીડિયા રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, હવે સરકારી વિભાગોમાં એઆઈનો ઉપયોગ દિવસે દિવસે ખૂબ જ વધી રહ્યો છે. આ સાથે પ્રાયવેસી અને સાયબર ફ્રોડના કિસ્સામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ડેટા સુરક્ષા સામે એક મસમોટું જોખમ ઊભું થયું છે. એટલા માટે ભારતીય કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ સાયબર સુરક્ષા અંગે વિવિધ સરકારી વિભાગોને ચેતવણી જાહેર કરી છે.
ક્યા ટુલ્સને માન્યતા?
આ ચેતવણી કર્મચારીઓને એવા AI ટૂલ્સનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે જે મંજૂર થયા નથી, કારણ કે અનધિકૃત AI ટૂલ્સનો ઉપયોગ સિક્રસી કે પ્રાયવસી સામે જોખમ ઊભું કરી શકે છે. આ ગાઈડલાઈન્સ જનરેટિવ AI ટૂલ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરતી નથી. સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે આ ટૂલ્સનો ઉપયોગ સરકારી ડેટા સાથે ચેડા ન કરે. આ માટે કેટલાક ટુલ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી આવા કેટલાક ટુલ્સ જોખમી હોવાની વિગત સામે આવી હતી. હાલમાં આ ક્યા ટુલ્સ છે અને ક્યા ટુલ્સ જરૂરી છે એ અંગે ખાસ કોઈ ફોડ પાડ્યો નથી. પણ એઆઈના વધી રહેલા બોટ અને વધી રહેલી એપ્લિકેશનને ધ્યાને લઈને સરકારી વિભાગમાં એના ઉપયોગ પર કંટ્રોલ રાખવા માટે આ પગલું લીધું છે.