Thu Sep 03 2026

Logo

અમેરિકામાં 'જન્મસિદ્ધ નાગરિકતા' છીનવવાનો ટ્રમ્પનો પ્લાન ફ્લોપ! સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો

Washington dc   2026-06-30 22:45:50
Author: Devayat Khatana
અમેરિકામાં 'જન્મસિદ્ધ નાગરિકતા' છીનવવાનો ટ્રમ્પનો પ્લાન ફ્લોપ! સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો

અમેરિકન સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકામાં 'જન્મસિદ્ધ નાગરિકતા'ને સીમિત કરવાના પ્રયાસોને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે નીચલી અદાલતના એ નિર્ણયને માન્ય રાખ્યો છે જેમાં ટ્રમ્પના કાર્યકારી આદેશ પર રોક લગાવવામાં આવી હતી. આ આદેશમાં અમેરિકન સરકારી એજન્સીઓને એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, જો અમેરિકામાં જન્મેલા બાળકના માતા-પિતામાંથી કોઈ પણ અમેરિકન નાગરિક અથવા કાયદેસરના ગ્રીન કાર્ડ હોલ્ડર ન હોય, તો તે બાળકને અમેરિકન નાગરિક તરીકે માન્યતા આપવામાં ન આવે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના પહેલા જ દિવસે, એટલે કે 20 જાન્યુઆરી 2025 ના રોજ આ વિવાદાસ્પદ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકન સમાજ અને બંધારણમાં જન્મસિદ્ધ નાગરિકતાના અધિકારને લાંબા સમયથી એક અભિન્ન અંગ માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને ઇમિગ્રેશન પર કડક નિયંત્રણો લાદવાની ટ્રમ્પ સરકારની પ્રાથમિકતા અને કટ્ટર નીતિઓ માટે એક બહુ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

ટ્રમ્પના આ આદેશને પડકારનારાઓનો મુખ્ય તર્ક એ હતો કે આ નિર્ણય અમેરિકન બંધારણના 14મા સુધારાનું સીધું ઉલ્લંઘન કરે છે. આ સુધારા અંતર્ગત અમેરિકામાં જન્મ લેનારા અને અમેરિકન અધિકારક્ષેત્ર હેઠળ આવતા તમામ લોકોને નાગરિકતા પ્રદાન કરવામાં આવે છે. ટ્રમ્પ પર ઇમિગ્રેશન પોલિસીમાં વંશીય અને ધાર્મિક ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. અરજદારોએ 1898 ના 'યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ વોંગ કિમ આર્ક' કેસનો હવાલો આપ્યો હતો, જેમાં કોર્ટે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકન ધરતી પર જન્મ લેતા તમામ બાળકો જન્મના આધારે નાગરિકતા મેળવવા હકદાર છે.

આ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવતા કન્ઝર્વેટિવ ચીફ જસ્ટિસે પોતાના નિર્ણયમાં 1898 ના આ જ ઐતિહાસિક કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે લખ્યું કે, "તેમાં કોઈ આશ્ચર્ય નથી કે છેલ્લા 128 વર્ષોથી અમે વોંગ કિમ આર્કના ચુકાદાને એ જ અર્થમાં સમજીએ છીએ કે અમેરિકામાં જન્મતા તમામ બાળકો માટે નાગરિકતાની ગેરંટી છે. આજે આ વ્યાખ્યાથી અલગ હટવાનું અમને કોઈ કારણ દેખાતું નથી."