બીજા કેબિનેટના વિસ્તરણ વખતે ભાજપ અને શિવસેના વચ્ચે ઊભા થયા હતા મતભેદ
નવી દિલ્હી: હાલમાં NEET પેપર લીક, સીબીએસઈ કોપી પુનઃમૂલ્યાંકન, શ્રી રામ જન્મભૂમિ મંદિર દાનમાં કથિત ગેરરીતિ અને મધ્ય પ્રદેશના સીએમ મોહન યાદવ પર લાગેલા આક્ષેપોને કારણે નરેન્દ્ર મોદી સરકાર પર વિપક્ષ દ્વારા અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. શિક્ષણ પ્રધાનના રાજીનામાની પણ માંગણી કરવામાં આવી છે. તેમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, મોદી કેબિનેટમાં ટૂંક સમયમાં જ મોટો ફેરબદલ થઈ શકે છે. જોકે, જ્યારથી નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા છે એના પછી કુલ ચાર વખત મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે.
અત્યાર સુધીમાં ચાર મોટા ફેરફાર કરવામાં આવ્યાં
વર્ષ 2014થી શરૂ થયેલી પીએમ મોદીની સફરનો આ ત્રીજો કાર્યકાળ છે. અગાઉના બે કાર્યકાળમાં પીએમ મોદીએ કુલ ચાર વખત કેબિનેટમાં ફેરબદલ કર્યા હતા. પીએમ મોદીએ હંમેશા કામના ભારણ, મંત્રીઓની ક્ષમતા અને આગામી રાજ્યોની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેબિનેટમાં ફેરફાર કર્યા છે. પહેલો ફેરબદલ 10 નવેમ્બર 2014, પછી 5 જુલાઈ 2016, સપ્ટેમ્બર 2017 અને પછી 2021માં એમ ચાર વખત પીએમ મોદીએ કેબિનેટમાં ફેરફાર કર્યો છે.
પહેલી વખત 2014માં વિસ્તરણ કર્યું હતું

સૌથી પહેલી વખત 10 નવેમ્બર 2014માં મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. પીએમ મોદીએ 26 મે 2014ના રોજ પ્રથમ વખત 45 મંત્રીઓ સાથે શપથ લીધા હતા. મંત્રીઓ પર કામનું દબાણ વધતાં 6 મહિનામાં પ્રથમ વિસ્તરણ કરાયું, જેમાં 21 નવા મંત્રીઓ સામેલ કરવામાં આવ્યા હતા. તેના પછી નોટબંધીના બરાબર 3 મહિના પહેલા આ ફેરબદલ થયો હતો. આમાં 19 રાજ્ય મંત્રીઓને તક મળી, જ્યારે 5 મંત્રીઓની રજા કરવામાં આવી હતી.
બીજા વિસ્તરણમાં ભાજપ-શિવસેનાના સંબંધોમાં તિરાડ પડી
પહેલા કેબિનેટ વિસ્તરણમાં જેપી નડ્ડાને પહેલી વખત સીધા કેબિનેટ મંત્રી બનાવ્યા હતા તો બીજી બાજુ શિવસેનામાંથી આવેલા સુરેશ પ્રભુને કેબિનેટમાં સ્થાન આપ્યું હતું. સુરેશ પ્રભુને પછી રેલવે મંત્રાલય પણ આપ્યું હતું. એ વખતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિવસેના વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી.
શિવસેનાના અનિલ દેસાઈને શપથ લેવડાવ્યા નહોતા, કારણ કે તેઓ હાજર નહોતા. રાજીવ પ્રતાપ રુડી-બંડારુ દત્તાત્રેયને રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભારી બનાવ્યા હતા. એની સાથે મુખ્તાર અબ્બાસ નકવીને મુસ્લિમ ચહેરા તરીકે સ્થાન આપ્યું હતું. રાજ્યવર્ધન રાઠોર અને રામકૃપાલ યાદવને પણ મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હતું. બાબુલ સુપ્રિયોને પણ પહેલા મંત્રીમંડળના વિસ્તાર વખતે મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું હતું.
સપ્ટેમ્બર 2017માં ત્રીજું વિસ્તરણ કરવામાં આવ્યું
ત્રીજું વિસ્તરણ સપ્ટેમ્બર 2017માં કરવામાં આવ્યું હતું. આ વિસ્તરણમાં ચૂંટણી રાજ્યોના સમીકરણો સાધવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનંત કુમાર હેગડે, વીરેન્દ્ર કુમાર અને ગજેન્દ્ર સિંહ શેખાવતને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આમાં 09 નવા પ્રધાનો આવ્યા, ચારને પ્રમોશન મળ્યું હતું, જ્યારે 6 પ્રધાનોને કેબિનેટમાંથી આઉટ કરી દેવામાં આવ્યાં હતાં.
2021માં ચોથા કેબિનેટ વિસ્તરણમાં મોટા ફેરફાર કર્યાં
ચોથા અને સૌથી મોટું કેબિનેટ વિસ્તરણની વાત કરવામાં આવે તો, તે 2021માં કરવામાં આવ્યું હતું મે 2019 માં પીએમ મોદીએ 57 મંત્રીઓ સાથે બીજી વાર શપથ લીધા. તેના બે વર્ષ બાદ થયેલું આ વિસ્તરણ મોદી સરકારનું અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ હતું. આમાં 36 નવા ચહેરાઓને તક મળી અને 12 પ્રધાનોને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો.
પાંચમા કેબિનેટ વિસ્તરણમાં શું થઈ શકે છે ફેરફાર
વર્ષ 2024માં પીએમ મોદીએ ત્રીજી વખત 71 નેતાઓ સાથે અત્યાર સુધીના સૌથી મોટા મંત્રીમંડળના શપથ લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી સરકાર કેબિનેટમાં યુવા નેતાઓને તક આપી શકે છે. કેટલાક વરિષ્ઠ પ્રધાનોને ભાજપ સંગઠનની જવાબદારી સોંપવામાં આવી શકે છે, જ્યારે સંગઠનના પદાધિકારીઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
NEET-UG પેપર લીક અને સીબીએસઈના ડિજિટલ માર્કિંગ વિવાદને કારણે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને લઈને અટકળો તેજ છે. શું તેમની કેબિનેટમાંથી રજા થશે કે પછી તેમનો વિભાગ બદલાશે, તેના પર સૌની નજર છે.
આ ફેરબદલમાં કોણે કેબિનેટમાંથી આઉટ થશે?

કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલમાં કેટલીક જગ્યાઓ ખાલી છે. બે કેન્દ્રીય પ્રધાન રવનીત સિંહ અને જ્યોર્જ કુરિયનને ફરીથી રાજ્યસભામાં ન મોકલાતા અને પંકજ ચૌધરીને યુપી ભાજપના અધ્યક્ષ બનાવવાની અટકળો વચ્ચે તેમની પણ કેબિનેટમાંથી વિદાય નક્કી માનવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોનો દાવો છે કે આ ફેરબદલમાં ઘણા પ્રધાનો મંત્રીમંડળમાંથી આઉટ થશે અને કેટલાકના મંત્રાલય બદલાઈ શકે છે.