Wed Jul 01 2026

Logo

કચ્છ યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના 4 એડમિશન રાઉન્ડ પૂરા, 7000 વિદ્યાર્થીએ મેળવ્યો પ્રવેશ

2026-07-01 21:48:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: રાજ્ય સરકારના ઓનલાઈન એડમિશન પોર્ટલ દ્વારા અનેક એવા વિદ્યાર્થીઓને કૉલેજમાં એડમિશન મળી રહ્યા છે. જે તે યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ખાડી પડેલી બેઠક પર તબક્કાવાર એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. આ જ એક પ્રક્રિયાના ભાગરૂપે કચ્છ યુનિવર્સિટી સંલગ્ન જિલ્લાની 52 કૉલેજમાં શૈક્ષણિક કેલેન્ડર અનુસાર નવા શૈક્ષણિક સત્રનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. 'જીકાસ' પોર્ટલ પર સફળતાપૂર્વક નોંધણી કરાવનારા તમામ ઉમેદવારો માટે 1 જુલાઈથી આગામી 3 જુલાઈ સુધી ઓનલાઈન મોક રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. 

28 જુલાઈ સુધી ચાલશે રાઉન્ડ
આ મોક રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આગામી 7 જુલાઈથી પ્રવેશ માટેનો પ્રથમ સત્તાવાર રાઉન્ડ શરૂ થશે, જે 28 જુલાઈ સુધી ચાલશે. યુનિવર્સિટી દ્વારા તમામ યોગ્ય વિદ્યાર્થીઓને સમયમર્યાદામાં પોતાની ચોઈસ ફિલિંગ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારના ઓનલાઈન એડમિશન પોર્ટલ 'જીકાસ' મારફતે સ્નાતક કક્ષાની ચાલતી પ્રવેશ પ્રક્રિયાના ચારેય રાઉન્ડ સત્તાવાર રીતે પૂરા થઈ ગયા છે. કચ્છની કૉલેજમાં ઉપલબ્ધ અંદાજે 12,500 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 7000 જેટલા વિદ્યાર્થીઓએ નિયત ફી ભરીને પ્રવેશ મેળવી લીધો છે. જે કુલ ફોર્મના આધારે અંદાજે 66 ટકા બેઠકો ભરાઈ હોવાનું દર્શાવે છે.

એજ્યુકેશન વિભાગનો રિપોર્ટ
એજ્યુકેશન સાથે જોડાયેલા સૂત્રોમાંથી વિગત એવી મળી છે કે, ધોરણ-12માં 60 ટકાથી વધુ ગુણ મેળવનારા મોટાભાગના ઉમેદવારોને પ્રથમ પસંદગી મુજબ એડમિશન મળી ગયું છે. આ વિદ્યાર્થીઓએ કૉલેજ પસંદગીને લઈ સ્પષ્ટ થઈ ચૂક્યા છે.  જ્યારે 50થી 60 ટકા વચ્ચે ગુણ ધરાવતા અનેક વિદ્યાર્થીઓની યાદી હજુ બાહર પડવાની બાકી છે. અર્થાત વેઈટિંગ લીસ્ટમાં છે. બોર્ડની જે પૂરક પરીક્ષા લેવામાં આવે છે એનું પરિણામ હજુ આવવાનું બાકી છે. ધો.12ની આ પરીક્ષાનું પરિણામ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં જાહેર થાય એવી પૂરી શક્યતાઓ છે.યુનિવર્સિટી હસ્તક હજુ પણ પૂરતી બેઠકો ખાલી હોવાથી આગામી સમયમાં યોજાનારા ઓફલાઇન રાઉન્ડમાં પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

એડમિશનને લઈ સારો પ્રતિસાદ
દેશની નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષથી કચ્છની 8 કૉલેજોમાં ગ્રેજ્યુએટ સ્તરે ચોથું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. યુનિવર્સિટીના 10 એક્સટેન્શન સેન્ટરમાંથી પણ એડમિશન માટે સારો પ્રતિસાદ મળ્યો છે. ગત વર્ષે પ્રવેશના અનેક રાઉન્ડના કારણે પ્રક્રિયા આસો નવરાત્રી પર્વ સુધી લંબાઈ આ એડમિશન પ્રક્રિયા લંબાઈ હતી. જેના કારણે કોર્ષ પૂરા થવામાં વિદ્યાર્થીઓને થોડી વધારે મહેનત કરવી પડી હતી. આ કારણે પરીક્ષાના આયોજન પર પણ અસર થઈ હતી. આમ, એક શૈક્ષણિક કાર્ય ખોરવાયું હતું. આવું બીજીવાર ન થાય એ માટે આ વર્ષે શૈક્ષણિક સત્ર સમયસર શરૂ થાય અને વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની મુશ્કેલીઓ ન પડે એ માટે હવે 'જીકાસ'પોર્ટલ પરથી બીજો કોઈ રાઉન્ડ બાહર પાડવામાં નહીં આવે.  બાકી રહેલી ખાલી બેઠકો ભરવાની તમામ સત્તા જે-તે યુનિવર્સિટી અને જે તે ઝોનની  કોલેજોને સોંપવામાં આવી છે, જે અંગે આગામી એક-બે દિવસમાં સત્તાવાર પરિપત્ર જાહેર થશે. જેમાં અમુક સ્પષ્ટતા એજ્યુકેશન વિભાગ તરફથી કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એમને જ આ લાભ મળી રહેશે.