27 ગુણ મળતા હતા છતાં સિયાએ કેતનને પતાવ્યો
પુણે: દેશઆખાને હચમચાવી નાખનારા પુણેના રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર કેતન અગરવાલ હત્યા કેસ પછી જ્યોતિષ શાસ્ત્ર અને લગ્ન પહેલાં કુંડળી મેળવવાના રિવાજ સામે પ્રશ્ર્ન ઊભો થઈ રહ્યો છે. ચોંકાવનારી વાત એટલે લગ્ન પહેલાં મહારાજે સિયા અને કેતનની કુંડળી મેળવી હતી, જેમાં 36માંથી 27 ગુણ મળતા હોવાથી તેને શુભ યોગ્ય ગણાવ્યો હતો. આમ છતાં સિયાએ પ્રેમી સાથે મળીને કેતનને બેરહેમીથી પતાવી નાખ્યો હતો.
ટ્રેકર કેતન અગરવાલને લોનવલાના લોહગડ કિલ્લા પરથી ઊંડી ખીણમાં ધકેલી દઈ તેની હત્યા કરવામાં આવ્યા પછી આ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે સિયા અને કેતનની કુંડળીનો મુદ્દો સામે આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જાન્યુઆરી, 2026માં કેતન અગરવાલ અને સિયા ગોયલનાં લગ્ન ગોઠવવા પહેલાં મહારાજે બન્નેની જન્મકુંડળી જોઈ હતી, જેને આધારે ગ્રહોનો અભ્યાસ કરીને લગ્નકુંડળી તૈયાર કરી હતી. લગ્નયોગ માટે જરૂરી ગુણો મેળવવામાં આવ્યા હતા.
કહેવાય છે કે બન્નેની કુંડળીને આધારે 36માંથી 27 ગુણ મળ્યા હોવાનું મહારાજે કહ્યું હતું. આ લગ્ન માટે શુભ યોગ માનવામાં આવે છે. ગુણ મળતા હોવાથી લગ્ન સફળ થવાના અણસાર આપી આ આદર્શ જોડી હોવાનો દાવો કુટુંબના મહારાજે કર્યો. પછી ધામધૂમથી સગાઈ થઈ અને લગ્નની જોરદાર તૈયારીઓ શરૂ થઈ. નવેમ્બર, 2026માં લગ્ન થવાનાં હતાં, પણ કેતનને સ્વપ્નેય ખયાલ નહોતો કે તેની ભાવિ જીવનસંગિની જ તેનું જીવન છીનવી લેશે.
પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને સિયાએ ભયાનક કાવતરું ઘડ્યું. કેતનને મારવાના બેથી ત્રણ પ્રયાસ નિષ્ફળ ગયા છતાં સિયાએ હાર ન માની અને તે યોગ્ય તકની રાહ જોતી હતી. આખરે 18 જૂને તે કેતનને લોહગડના નિર્જન ભાગમાં લઈ જવામાં સફળ થઈ, જ્યાંથી ખીણમાં ધકેલી તેની હત્યા કરવામાં આવી હતી.
આરોપી ચેતનને કિલ્લા પણ લઈ જઈ સીન રિક્રિએટ કરવામાં આવ્યો
કેતનની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલી તેની વાગ્દત્તા સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને ત્રણ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં હોવાથી પોલીસ વધુ તપાસ કરી રહી છે. 28 જૂને પોલીસ સિયાને લઈ લોહગડ કિલ્લા પર ગઈ હતી અને ત્યાં સીન રિક્રિએટ કરવામાં આવ્યો હતો. પછી બુધવારે અધિકારીઓ ચેતનને કિલ્લા પર લઈ ગયા હતા.
18 જૂને ચેતનનો જે પહેરવેશ હતો તેવા જ પહેરવેશમાં તેને બુધવારે લઈ જવાયો હતો. સીન રિક્રિએટ કરવા માટે કેતનને જે જગ્યાએથી ધક્કો મારવામાં આવ્યો હતો ત્યાં ચેતનને લઈ જવામાં આવ્યો હતો. પોલીસના કહેવાથી ચેતને કેતનના ડમીને ધક્કો માર્યો હતો. હત્યાને દિવસે કેતનને કઈ રીતે ધક્કો મારવામાં આવ્યો તેની માહિતી પોલીસે મેળવી હતી.
કેસ સજ્જડ બનાવવો પોલીસ માટે મોટો પડકાર
કેતન અગરવાલના હત્યા કેસમાં નજરે જોનારા સાક્ષી અને સીસીટીવી કૅમેરા ફૂટેજ ન હોવાથી આરોપી સિયા અને ચેતન સામે સજ્જડ કેસ બનાવવો પોલીસ માટે મોટો પડકાર હોવાનું કહેવાય છે. મેઘાલયના ચર્ચાસ્પદ સોનમ સઘુવંશી હનીમૂન મર્ડર કેસમાં અમુક ટેક્નિકલ ખામીઓ રહી હતી, જેને પગલે હાઈ કોર્ટમાંથી તેને જામીન મળ્યા હતા.
પરિણામે સિયા અને ચેતનને વહેલા જામીન ન મળે તે માટે પોલીસ દરેક પાસાનો અભ્યાસ કરી પુરાવા એકઠા કરી રહી છે. સિયાએ ગૂગલ પર લોહગડની ખીણ વિશે સર્ચ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસ આ ડિજિટલ ડેટા રિકવર કરી શકે છે.
બ્રાઉઝર હિસ્ટ્રી, લૉકેશન ડેટા અથવા ડિલીટ કરેલા મેસેજ જેવા ડિજિટલ પુરાવા કોર્ટમાં સબળ ઠરી શકે છે. ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી કૅમેરામાં સહઆરોપી ચેતન ચૌધરી હૂડી પહેરીને ફરતો દેખાય છે, પણ એના પરથી તેણે હત્યા કર્યાનું પુરવાર થતું નથી. આ માત્ર સાંયોગિક પુરાવા પર આધારિત કેસ હોવાથી પોલીસ માટે તેને મજબૂત બનાવવાના પ્રયાસ કરી રહી છે.