સિયા, તેના પ્રેમી ચેતન પર પોલીગ્રાફ ટેસ્ટ કરવા પોલીસની કોર્ટમાં અરજી
પુણે: પુણેમાં ટ્રેકર અને રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર કેતન વિશાલ અગરવાલને લોહગડ કિલ્લા પરથી કેવી રીતે ધક્કો મારવો તેનું રિહર્સલ જ્યાં કરવામાં આવ્યું હતું ત્યાં પોલીસ સિયાને ગુરુવારે લઇ ગઇ હતી. એ સિવાય સિયાને પુણેના માર્કેટ યાર્ડ વિસ્તારમાં આવેલા તેના નિવાસે લઇ જવાઇ હતી, જ્યાં ઘટનાને દિવસે તેણે પહેરેલાં કપડાં જપ્ત કરાયાં હતાં.
સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરી પર પોલીગ્રાફ ટેસ્ટ કરવા માટે પોલીસે કોર્ટમાં અરજી કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીગ્રાફ ટેસ્ટ જેને ‘લાઇ ડિરેક્ટર ટેસ્ટ’ પણ કહેવામાં આવે છે, જે સામાન્યપણે ચોક્કસ ઘટના સંબંધિત પ્રશ્ર્નોના જવાબ આપતી વખતે વ્યક્તિના મનોવૈજ્ઞાનિક પ્રત્યાઘાતોનું માપન કરે છે.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે બંને પર પોલીગ્રાફ ટેસ્ટ કરવાની પરવાનગી મેળવવા માટે વડગાંવ માવડ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. કોર્ટ પ્રથમ આરોપીઓને નોટિસ જારી કરશે અને આગળની કોઇ પણ પ્રક્રિયા અગાઉ તેમની સહમતિ લેવામાં આવશે. પ્રક્રિયા હજી પૂરી થઇ નથી.
18 જૂન, 2026ના રોજ લોહગડ જિલ્લા પરથી કેતન અગરવાલને ધકેલીને મારી નાખવાનો સિયા અને ચેતન ચૌધરી પર આરોપ છે. કેતન અને સિયાનાં લગ્ન નવેમ્બર, 2026માં નિર્ધારિત હતાં. આ ઘટના બાદ સિયા અને ચેતનની ધરપકડ કરવામાં આવી હતી અને બંને 3 જૂન સુધીની પોલીસ કસ્ટડીમાં છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સિયા અને ચેતને લોહગડ કિલ્લા પરથી કેતનને કેવી રીતે ધકેલી દેવો તેનું રિહર્સલ લુલ્લાનગરમાં ટેકડી જેવી જગ્યા પર કર્યું હતું. સિયાને ગુરુવારે સવારે એ સ્થળે લઇ જવાઇ હતી અને તેણે એ સ્થળને ઓળખી કાઢ્યું હતું. રિહર્સલ મે મહિનામાં કરવામાં આવ્યું હતું અને પોલીસ ચોક્કસ તારીખ તથા અન્ય માહિતી મેળવી રહી છે. અમે નોંધપાત્ર પ્રમાણમાં ટેક્નિકલ અને ડિજિટલ ડેટા એકત્રિત કર્યા છે, જેનું વિશ્ર્લેષણ તેમ જ ક્રોસ-વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.
સિયા અને ચેતનના સંબંધમાં કેતન અવરોધરૂપ લાગતો હોવાથી તેની હત્યા કરવામાં આવી હતી. પુણે ગ્રામીણ પોલીસે બુધવારે ચેતનને ક્રાઇમ સીન રિક્રીયેટ કરવા માટે લઇ ગઇ હતી. એ અગાઉ સિયાને રવિવારે કિલ્લા પર લઇ જવામાં આવી હતી. (પીટીઆઇ)