Fri Jul 03 2026

Logo

ચેમ્બુર દુર્ઘટના: એન્જિનિયર્સ એસોસિએશન  સસ્પેન્શનના આદેશ સામે આક્રમક

2026-07-02 22:55:31
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ચેમ્બુરમાં મંગળવારે બસ પર પીપળાનું ઝાડ તૂટી પડતા ૧૧ વર્ષના વિદ્યાર્થીના થયેલા મૃત્યુ પ્રકરણમાં પાલિકા પ્રશાસન દ્વારા એમ-પશ્ર્ચિમ વોર્ડના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે મુંબઈ મ્યુનિસિપલ એન્જિનિયર એસોસિએશને પાલિકાના રોડ ડિપાર્ટમેન્ટના એન્જિનિયરોના સસ્પેન્શનને ‘સસ્પેન્શન વીધાઉટ જસ્ટિફિકેશન’  ગણાવીને  પાછું ખેંચવાની માગણી કરી છે. પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેને લખેલા પત્રમાં એસોસિએશનના પ્રતિનિધિ નવનાથ ઘાડગેએ ગુરુવારે જણાવ્યું હતું કે ઘટના સ્થળના નિરીક્ષણમાં જણાય છે કે ભારે વરસાદને કારણે ઝાડ ઉખડી ગયું હતું.  શહેરમાં અન્ય વૃક્ષો ઉખડી ગયા હતા. તો પછી ચેમ્બુરના ઝાડ માટે અધિકારીઓ કેવી રીતે જવાબદાર ગણાય. સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારીઓને તેમની બાજુ પણ રાખવા દેવામાં આવી નથી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે  બુધવારે મોડી રાત્રે પાલિકાએ  ગાર્ડન એન્ડ ટ્રી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ સહિત રોડ ડિપાર્ટમેન્ટના સબ-એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને સહિત ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. મંગળવારે સાંજે ચેમ્બુરના રોડ નંબર ૧૧ પર બનેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી