નાશિક: પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થવામાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હાલમાં જ નાશિકના પવિત્ર એવા ત્ર્યંબકેશ્વર મંદિરમાં એક દુર્લભ શિવલિંગ જોવા મળ્યું હતું. આ શિવલિંગ ત્યાં આવેલા અમૃતકુંડની સાફ સફાઈ દરમિયાન મળી આવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષણ અભિયાન ચાલી રહ્યું છે. એ જ સમયે અમૃતકુંડની સાફ સફાઈ થઈ રહી હતી. સાફ સફાઈ બાદ કુંડમાંથી સંપૂર્ણપણે પાણીનો નિકાલ કરતા તળિયાના ભાગે એક અતિ પ્રાચીન શિવલિંગ મળી આવ્યું હતું.
શિવલિંગ અંગે એએસઆઈએ શું કહ્યું?
એએસઆઈના જણાવ્યા મુજબ નાશિકના પવિત્ર જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર મંદિરમાં એએસઆઈ દ્વારા કરવામાં આવી રહેલા સંરક્ષણ કાર્યો દરમિયાન મંદિરના ઐતિહાસિક જળકુંડ જેને સ્થાનિકો 'અમૃતકુંડ' કહે છે, તેની સફાઈ દરમિયાન માળખાને હટાવતી વખતે એક તળિયાના ભાગે દુર્લભ શિવલિંગ મળી આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ શોધ પુરાતત્વ વિભાગના પ્રયત્નોને ઉજાગર કરવાનું કામ કરે છે, જેમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને પવિત્ર વારસાને લોકો સમક્ષ લાવવા અને તેની રક્ષા કરવાનું કામ કરવામાં આવે છે.
65 ફૂટ ઊંડો 'અમૃતકુંડ'
ત્ર્યંબકેશ્વર મંદિર પરિસરમાં આવેલો આ કુંડ 65 ફૂટ ઊંડો છે. આ કુંડનું નિર્માણ પેશ્વાઓના સમયમાં લગભગ 200 વર્ષ પહેલા થયું હતું. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગને આ પવિત્ર જળથી જ સ્નાન કરવામાં આવે છે. આ પવિત્ર જળનો ઉપયોગ શિવલિંગની પૂજા અને અભિષેકમાં પણ કરવામાં આવે છે.

શિવલિંગ મળ્યા બાદ એન્ટ્રી બંધ
અમૃતકુંડના તળિયામાં પ્રાચીન શિવલિંગ મળ્યા બાદ આ પવિત્ર સ્થળની ધાર્મિક મહત્વતા વધુ મજબૂત બની છે. જેના લીધે ભાવિક ભક્તોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શિવલિંગ મળ્યા બાદ ત્યાં સાફ સફાઈ કરી રહેલા લોકોએ આ તસવીરો અને વિડિયો કેમેરામાં કેદ કરી લીધા હતા. જે બાદમાં સોશિયલ મીડિયા પર પણ ખુબ વાયરલ થયા હતા.
નાશિક કુંભમેળાની તૈયારી શરુ
નાશિક-ત્ર્યંબકેશ્વર કુંભમેળા ઓથોરિટીએ આગામી સિંહસ્થ કુંભ મેળા આયોજન અંતર્ગત સફાઈ અભિયાનનો મોટો પ્લાન રજૂ કર્યો છે. આ મેળામાં સામેલ થનારા લાખો શ્રદ્ધાળુઓની ભીડ માટે કામચલાઉ 56,000 શૌચાલય બનાવવા, 8,000થી વધુ સફાઈ કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
નાશિક-ત્ર્યંબકેશ્વર કુંભ મેળા ઓથોરિટી દ્વારા સાધુગ્રામ, નદીના ઘાટ, પાર્કિંગ એરિયા, હોલ્ડિંગ એરિયા, અપ્રોચ રોડ અને નાશિક-ત્ર્યંબકેશ્વર હાઇ-વે પર શૌચાલય બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ સાથે જ પવિત્ર ગોદાવરી નદીમાં ડૂબકી લગાવનારા ભાવિક ભક્તો માટે ઘાટ પાસે લગભગ 2000 જેટલા ચેંજિંગ રૂમ બનાવવાની યોજના છે.