લંડનઃ વિશ્વના સમૃદ્ધ દેશોમાં વસ્તીને લઈને એક ચોંકાવનારી બાબત જાણવા મળી છે, જે આંકડાઓ ખરેખર ચિંતાજનક છે. હાલમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં જન્મ લેનારા બાળકોની તુલનામાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સામાજિક બાબતો પર કાર્ય કરનારી થિંકટેંક સેન્ટર ફોર સોશ્યિલ જસ્ટિસે આ ફેરફારને 'ડેથ ડે'નું નામ આપ્યું છે. આ સંસ્થાના જણાવ્યા મુજબ આ બાબત ભવિષ્યમાં વસ્તી વધારા પ્રત્યેના એક મોટા પડકારનો સંકેત આપે છે.
મૃત્યુદરમાં વધારો
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના અનુમાન મુજબ જુલાઈ 2026થી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં દર વર્ષે જન્મદર કરતા મૃત્યુદરમાં વધારો જોવા મળશે. 2025-26માં જન્મ લેનારા બાળકોની સંખ્યા વધારે હતી. એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે 2026-27 સુધીમાં લગભગ 5.84 લાખ બાળકો જન્મ લેશે, જયારે બીજી તરફ લગભગ 5.88 લાખ લોકોના મૃત્યુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક રિપોર્ટ અનુસાર, ઘટતો જન્મદર એ એક મોટું કારણ છે. પહેલાના સમયની સરખામણીમાં દંપતી ઓછા બાળકો ઈચ્છે છે, અન્ય કારણોમાં તેઓ પરિવાર શરૂ કરવામાં મોડું કરી રહ્યા છે તેમ જ મોંઘવારી, મોંઘું રહેઠાણ, કામકાજની વ્યસ્તતાનું દબાણ, બાળકો પાછળ થતો ખર્ચ જેવા કારણો આ નિર્ણયને ખૂબ ઊંડી અસર કરે છે. આ સિવાય કેટલીક મહિલાઓ પહેલા પોતે પગભર થવા માંગતી હોય છે. આ સાથે જ લગ્નની ઉંમર અને માતૃત્વની ઉંમરમાં પણ સમય જતા વધારો થતા બાળકોની જન્મદરની સંખ્યા સરેરાશ ઘટાડો થતો જોવા મળે છે.
એક સંસ્થાના જણાવ્યા અનુસાર જો આવી જ સ્થિતિ રહેશે તો ભવિષ્યમાં સામાજિક અને આર્થિક રીતે ગંભીર પરિણામો આવી શકે છે, જે પતિ-પત્ની માતાપિતા બનવા માંગે છે તેઓ વધતા ખર્ચ અને બદલતી પરિસ્થિતિઓના લીધે પોતાના સપનાઓ પુરા કરી શકતા નથી, પરિણામે આ કારણોસર જન્મદરની સંખ્યામાં આપમેળે ઘટાડો થતો રહે છે.
એક રિપોર્ટ મુજબ 2024થી 2034 વચ્ચે બ્રિટનમાં જન્મોની સરખામણીએ લગભગ 4.5 લાખથી વધુ મૃત્યુ થવાનું અનુમાન છે. 16થી 45 વર્ષની ઉંમરની લગભગ 30 લાખ મહિલાઓ એવી હશે, જેઓ માતા બનવામાં સક્ષમ હશે નહીં. આ સંખ્યા અગાઉની પેઢીની તુલનામાં લગભગ 6 લાખથી વધુ છે.
બ્રિટનમાં 2010 પછી જન્મદરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2025માં લગભગ 5.85 લાખ બાળકોની જન્મનોંધણી થઈ હતી, જે 1977ના વર્ષ બાદ સૌથી નીચો દર માનવામાં આવી રહ્યો છે. પ્રતિ મહિલા સરેરાશ બાળકોની સંખ્યા ઘટીને 1.4 જેટલી રહી છે. વસ્તીની સ્થિરતા માટે આ સંખ્યા 2.1 જેટલી હોવી જોઈએ.
મહિલાઓમાં પહેલીવાર માતૃત્વ ધારણ કરવાની સરેરાશ ઉંમર પણ વધીને 29.6 વર્ષ જેટલી થઈ ચુકી છે. આ ચોંકાવનારા આંકડાઓથી આવનારા ભવિષ્યમાં જન્મદરમાં ઘટાડાની સમસ્યા ખુબ ગંભીર અને ચિંતાજનક પરિણામો લાવશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.