Sun Sep 06 2026

Logo

જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઈચીની ભારત મુલાકાતથી ચીન નારાજ

Tokyo   2026-07-03 19:52:57
Author: Chandrakant Kanoja
જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઈચીની ભારત મુલાકાતથી ચીન નારાજ

@takaichi_sanae


ટોક્યો: જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઈચીની ભારત મુલાકાતથી ચીને નારાજગી વ્યક્ત કરી છે. જે અંગે ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બે રાષ્ટ્ર વચ્ચે સહયોગનો હેતુ ત્રીજા દેશને નીચું દેખાડવાનો કે નુકશાન પહોંચાડવાનો ન  હોવો જોઇએ. જ્યારે ભારત અને જાપાને અનેક મુદ્દાઓ પણ એમઓયુ પણ કર્યા છે.  પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન  સાનાઇ તાકાઈચીને નાની બહેન ગણાવ્યા હતા. તેમજ જાપાન સાથેના સંબંધોને પ્રાથમિકતા આપી છે. 

સહયોગ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખે.

આ દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, બે દેશો વચ્ચે સહયોગ એવો હોવો જોઈએ કે તે ક્ષેત્રીય  રાષ્ટ્રો વચ્ચે સમજણ અને વિશ્વાસ વધારે અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખે.

વિભાજન અને સ્પર્ધાને પ્રોત્સાહન ન આપવું જોઇએ  

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુ  ભારત અને જાપાન વચ્ચે ખનિજો પર સહયોગ અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. તેમણે ક્હ્યું કે આવા સહયોગનો હેતુ કોઈ તૃતીય પક્ષને લક્ષ્ય બનાવવાનો કે તેના હિતોને નુકસાન પહોંચાડવાનો ન હોવો જોઈએ. તેનો ઉપયોગ વિશિષ્ટ જૂથો બનાવીને વિભાજન અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે ન થવો જોઇએ.

સહયોગને પ્રોત્સાહન આપવું જોઈએ 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક ઔદ્યોગિક અને સપ્લાય ચેનને સુરક્ષિત અને સ્થિર રાખવી એ બધા દેશોની સહિયારી જવાબદારી છે. તેમજ બધા પક્ષોએ  સહયોગને પ્રોત્સાહન આપવું જોઈએ અને આ પ્રક્રિયામાં રચનાત્મક ભૂમિકા ભજવવી જોઈએ.

પીએમ મોદી અને તાકાઇચી વચ્ચે શિખર-સ્તરની વાટાઘાટો બાદ ભારત અને જાપાને ગુરુવારે અનેક મુખ્ય પહેલોની જાહેરાત કરી હતી. જેમાં આર્થિક ભાગીદારી માળખું, લશ્કરી હાર્ડવેરના સંયુક્ત ઉત્પાદન માટે સંરક્ષણ કરાર અને ક્રૂડના ભાવમાં અચાનક વધઘટને પહોંચી વળવા માટે ઊર્જા સંબંધોને મજબૂત કરવાના પગલાંનો સમાવેશ થાય છે.

પૂર્વ અને દક્ષિણ ચીન સમુદ્ર અંગે પણ  ચિંતા વ્યક્ત કરી 

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પૂર્વ ચીન સમુદ્ર અને દક્ષિણ ચીન સમુદ્રની પરિસ્થિતિ અંગે  ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એકપક્ષીય કાર્યવાહીનો વિરોધ કર્યો જે નેવિગેશનની સ્વતંત્રતાને જોખમમાં મૂકે છે અને શક્તિના ઉપયોગ દ્વારા વર્તમાન સ્થિતીને બદલવાના પ્રયાસો કરે છે.