Sat Jul 04 2026

Logo

મહારાષ્ટ્રમાં રખડતા શ્વાનનો આતંક: સરકાર એક્શનમાં, મુંબઈમાં બનશે નવા ડોગ શેલ્ટર

2026-07-03 21:44:43
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: રાજ્યમાં રખડતા શ્વાનના હુમલા અંગે મહારાષ્ટ્ર સરકારે આજે ચિંતા વ્યક્ત કરી પશુ નિયંત્રણના પગલાં કડક રીતે લાગુ કરવા અને તેની સંખ્યા વ્યવસ્થાપનના પ્રયાસોમાં અવરોધ ઊભો કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પ્રધાન ઉદય સામંતે રાજ્ય વિધાનસભામાં માહિતી આપી હતી કે રાજ્યભરમાં લગભગ ૧૪.૮ લાખ રખડતા શ્વાન હોવાથી સરકાર નસબંધી અને રસીકરણ અભિયાનને વેગ આપી રહી છે. 

છ મહિનામાં મુંબઈમાં ત્રણ શ્વાન આશ્રયસ્થાનો શરૂ કરવામાં આવશે એવી જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને રખડતા શ્વાનના સંચાલન અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

જોકે, ઘણા વિધાન સભ્યો સરકારના પ્રતિભાવથી અસંતુષ્ટ હતા  અને શ્વાનના  હુમલામાં બાળકોના મોતની ઘટનાઓનો ઉલ્લેખ કરીને મજબૂત અને સમયબદ્ધ કાર્યવાહી માટે દબાણ કર્યું.

પ્રધાનએ ગૃહને માહિતી આપી હતી કે મહારાષ્ટ્રમાં લગભગ ૧૪.૮ લાખ રખડતા શ્વાન છે, જેમાં મુંબઈમાં લગભગ 94 હજારનો સમાવેશ થાય છે. તેમાંથી અત્યાર સુધીમાં બે લાખથી વધુને રસી આપવામાં આવી છે અને લગભગ ૧.૮ લાખને નસબંધી કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી છ મહિનામાં મુંબઈમાં ત્રણ ડોગ શેલ્ટર બનાવવામાં આવશે અને વધતા જતા જોખમનો સામનો કરવા માટે રાજ્યમાં નસબંધી માટે પશુ જન્મ નિયંત્રણ કેન્દ્રો શરૂ કરવામાં  આવશે.