Sat Jul 04 2026

Logo

મહારાષ્ટ્રની દીકરીએ અમેરિકામાં વગાડ્યો ડંકો: મિસિસ યુનિવર્સનો તાજ છોડી યુએસ આર્મીમાં થઈ ભરતી, ટ્રેનિંગમાં જીત્યો શૂટિંગ મેડલ!

2026-07-02 14:13:00
Author: Darshana Visaria
Article Image

રત્નાગિરી: કહેવાય છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ અને કંઈક કરી છૂટવાની તમન્ના હોય તો દુનિયાનો કોઈ પણ ખૂણો કે મુશ્કેલી તમારા સપના આડે આવી શકતી નથી. આવું જ કંઈક સાબિત કરી બતાવ્યું છે મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના દાપોલીની રહેવાસી અને કોંકણની સુકન્યા પ્રાજક્તા ભામ્બુરે બોંગલેએ. લગ્ન બાદ અમેરિકા સ્થાયી થયેલી પ્રાજક્તાની સીધી પસંદગી અમેરિકન આર્મીમાં થઈ છે. હાલમાં તેઓ યુએસ આર્મીના મેડિકલ ડિપાર્ટમેન્ટમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.

પ્રાજક્તાએ પોતાનું પ્રારંભિક શિક્ષણ દાપોલીની એ. જી. હાઈસ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેમણે રત્નાગિરીની પ્રખ્યાત ગોગટે જોગલેકર કોલેજમાંથી બીએસસીની ડિગ્રી મેળવી. વિજ્ઞાન પ્રત્યેના લગાવને કારણે તેઓ મુંબઈ આવ્યા અને અહીંની જાણીતી રૂપારેલ કોલેજમાંથી એન્ડોક્રિનોલોજી વિષયમાં એમએસસીની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી.

અમેરિકન આર્મીમાં પસંદગી પામ્યા બાદ આઠ મહિનાની અત્યંત કઠિન અને શારીરિક રીતે પડકારજનક ટ્રેનિંગ દરમિયાન પણ પ્રાજક્તાએ ભારતનું નામ રોશન કર્યું છે. સમગ્ર તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ તેમને 'શાર્પ શૂટિંગ મેડલ' (ઉત્કૃષ્ટ નિશાનબાજી પદક) એનાયત કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, તેમણે પોતાની આખી ટ્રેનિંગ બેચમાં ટોપ સ્કોર મેળવીને એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.

તમને જાણીને નવાઈ લાગશે કે પ્રાજક્તાનો કોઈ સૈન્ય બેકગ્રાઉન્ડ નથી. તેઓ અમેરિકામાં એક ક્લિનિકલ રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે કામ કરતા હતા. આ સાથે જ તેઓ મોડેલિંગના પણ શૌકીન હતા અને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્લોબલ સ્ટ્રેટેજિક એલાયન્સ મિલેટ્સ એમ્બેસેડર તરીકે વિશ્વનું પ્રતિનિધિત્વ કર્યું છે. બ્યુટી પેજન્ટમાં તેમણે 'યુએસએ મિસિસ મિડવેસ્ટ યુનિવર્સ' જેવો પ્રતિષ્ઠિત ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.

પ્રાજક્તાને બાળપણથી જ સેનામાં જોડાવવાનો ભારે શોખ હતો, પરંતુ એક અણધારી દુર્ઘટનાને કારણે તેમણે આ સપનું છોડવું પડ્યું હતું. લગ્ન પછી અમેરિકા ગયા બાદ પારિવારિક જવાબદારીઓ સંભાળવાની સાથે તેમણે પોતાના ફિટનેસ, શિસ્તબદ્ધ દિનચર્યા અને સકારાત્મક વિચારસરણીના જોરે ફરીથી મહેનત શરૂ કરી. આખરે તમામ અવરોધોને પાર કરીને તેમણે યુએસ આર્મીની કપરી ટ્રેનિંગ પાસ કરી અને બાળપણના સપનાને હકીકતમાં બદલી નાખ્યું. તેમની આ સફર આજે દેશની લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે.