Sat Jul 04 2026

Logo

ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત: વીજ ટ્રાન્સમિશન ટાવરના વળતરમાં થયો ધરખમ વધારો, જાણો નવી વિગત...

2026-07-03 20:42:00
Author: Vimal Prajapati
Article Image

જંત્રીના બદલે વર્તમાન બજાર કિંમતના આધારે બમણું વળતર ચૂકવશે ગુજરાત સરકાર; વળતર નક્કી કરવા MRC કમિટીની રચાશે.

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. રાજ્ય સરકાર દ્વારા લાંબા સમયથી ચાલી આવતી ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખીને ખેતરમાં વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઈન પસાર થવા બાબતે વળતરની નીતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ખેડૂતોને જંત્રીના દરને બદલે જમીનના વર્તમાન બજારભાવના આધારે વધુ સારું વળતર મળશે. ખેતરમાં વીજપોલ ઊભા કરવા સામે ખેડૂતો દ્વારા કરવામાં આવતા વિરોધના મામલે સરકારની પ્રેસ કોન્ફરન્સમાં કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ આ માહિતી આપી છે.

બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય

પ્રેસ કોન્ફરન્સમાં કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું કે, અત્યાર સુધી ખેડૂતોને વીજ લાઈન કે વીજ પોલ માટે જંત્રીના બમણા દરે વળતર મળતું હતું, પરંતુ હવે જંત્રીને બદલે જમીનના વર્તમાન બજારભાવના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તો કોર્ટમાં અપીલનો રહેશે અધિકાર

જમીનના બજારભાવ નક્કી કરવા માટે MRC (માર્કેટ રેટ કમિટી)ની રચના કરવામાં આવશે. આ કમિટીમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, બંને પક્ષના વેલ્યુઅર અને જિલ્લા કલેક્ટરનો સમાવેશ કરવામાં આવશે. જો તેમ છતાં કોઈ ખેડૂતને વળતર અપૂરતું લાગે તો તેને કોર્ટ અથવા સિવિલ કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર રહેશે.

બજાર કિંમતના આધારે વળતર અપાશે

જોકે સરકારનો વિશ્વાસ છે કે નવા માપદંડ હેઠળ નક્કી થતું વળતર ખેડૂતોને સંતોષકારક રહેશે. વીજ લાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે MRC દ્વારા નિર્ધારિત થયેલા બજાર કિંમતના આધારે વિસ્તાર મુજબ વળતર અપાશે. જેમ કે ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારમાં: બજાર કિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારમાં: બજાર કિંમતના 60 ટકા મુજબ વળતર ચૂકવાશે.

પાયાના વિસ્તારની ગણતરીમાં કર્યો વધારો

મળતી વિગત મુજબ 765 કે.વી. લાઇનમાં ખેડૂતોને અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું, જેમાં હવેથી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરી તે મુજબ વધારીને 729 ચોરસ મીટર લેખે ચૂકવણી કરવામાં આવશે. સરકારે ખેડૂતોને વધુ લાભ મળે તે માટે પાયાના વિસ્તારની ગણતરીમાં વધારાનો એક મીટર વિસ્તાર પણ સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. 

લાંબા સમયની માગણીઓનો આવ્યો અંત

આ ઉપરાંત અગાઉ 40-40-20ના હપ્તાવાર રેશિયોમાં આપવામાં આવતું વળતર પણ હવે ખેડૂતોને રાહ જોવી ન પડે તે માટે  અગાઉથી જ એકસાથે ચૂકવવામાં આવશે. તે ઉપરાંત સરકારના વધુ એક મહત્વના નિર્ણય અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે જેમને જૂના નિયમો મુજબ વળતર મળ્યું છે, પરંતુ વીજ લાઈનનું કામ હજુ ચાલુ છે, તેઓને પણ નવા નિયમોનો લાભ મળશે. સરકારના આ નિર્ણયથી રાજ્યભરના હજારો અસરગ્રસ્ત ખેડૂતોને સીધો આર્થિક લાભ મળશે અને લાંબા સમયથી ચાલી રહેલી વળતરની માંગણીનો અંત આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હેતુ ખેડૂતોને વાસ્તવિક મૂલ્ય મુજબ યોગ્ય વળતરનો

જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જમીનના બજારભાવનો અર્થ જમીનની વાસ્તવિક બજાર કિંમત છે. જો જમીન ખેતીલાયક હશે તો તે વિસ્તારની ખેતીલાયક જમીનના વર્તમાન બજારભાવને આધારે વળતર નક્કી કરવામાં આવશે. હેતુ ખેડૂતોને વાસ્તવિક મૂલ્ય મુજબ યોગ્ય વળતર આપવાનો છે. સરકારના આ નિર્ણય અંતર્ગત વીજપોલ પેટે ખેડૂતોને ચૂકવવામાં આવતા વળતરમાં ધરખમ વધારો કરવામાં આવશે, જેનાથી ખેડૂતોના લાંબા સમયના પ્રશ્નોનો અંત આવશે.