બેંગકોકઃ થાઈલેન્ડના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ગુરુવારે એક 11 વર્ષના સગીર બાળકે પૂરપાટ ઝડપે પિકઅપ ટ્રક ચલાવીને તીર્થયાત્રા પર પગપાળા જઈ રહેલા બૌદ્ધ ભિક્ષુકોના આખા જૂથને કચડી નાખ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં 9 બૌદ્ધ ભિક્ષુકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
5 ભિક્ષુકોના ઘટનાસ્થળે જ મોત, 3 ની હાલત ગંભીર
આ દુર્ઘટના અંગે વિગતો આપતાં મુકદહન પ્રાંતના ગવર્નર વોરયાન બૂનનારતે જણાવ્યું હતું કે, મુકદહન પ્રાંતના કુલ 35 બૌદ્ધ ભિક્ષુકોનું એક જૂથ પવિત્ર તીર્થયાત્રા પર નીકળ્યું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે 5 ભિક્ષુકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 ભિક્ષુકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ ઉપરાંત, અન્ય 13 લોકોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ ભિક્ષુકોની હાલત અત્યંત નાજુક હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે.
11 વર્ષના છોકરાએ બૌદ્ધ સાધુઓ પર પિકઅપ ટ્રક ચડાવી દીધી, 9 ના મોત
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) July 2, 2026
જુઓ આ ભયાનક વીડિયો....#thailand #Accidentpic.twitter.com/OXHqow52i6
મળતી માહિતી મુજબ, આ ભિક્ષુકોનું જૂથ ઉબોન રત્ચાથાની પ્રાંત સુધીની 260 કિલોમીટર લાંબી પદયાત્રા પર નીકળ્યું હતું. હજુ તો યાત્રા શરૂ થયાને માંડ 30 મિનિટ જેટલો સમય થયો હતો ત્યાં જ પાછળથી કાળ બનીને આવેલી ટ્રકે તેમને અડફેટે લીધા હતા. સ્થાનિક બચાવ જૂથ દ્વારા આ ઘટનાની વીડિયો પણ શેર કરવામાં આવ્યાં છે. ભિક્ષુકો રસ્તાની એક બાજુએ શાંતિથી લાઈનમાં ચાલી રહ્યા હતા. તે જ સમયે એક અનિયંત્રિત પિકઅપ ટ્રક રોડ પરથી નીચે ઉતરી જાય છે અને તેમને જોરદાર ટક્કર મારે છે.
11 વર્ષનો આરોપી છોકરો પોલીસ કસ્ટડીમાં
અકસ્માતમાં બચી ગયેલા ભિક્ષુકોએ પોલીસને જણાવ્યું કે વાહને અચાનક સંતુલન ગુમાવ્યું હતું અને તે લહેરાતું લહેરાતું સીધું તેમની સાથે અથડાયું હતું. આટલો મોટો અકસ્માત સર્જનાર પિકઅપ ટ્રકનો ડ્રાઈવર માત્ર 11 વર્ષનો બાળક નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. સ્થાનિક પોલીસે અકસ્માત સર્જનાર સગીર છોકરાને કસ્ટડીમાં લઈ લીધો છે. થાઈલેન્ડના કાયદા અનુસાર આરોપી એક બાળક હોવાથી, બાળ સુરક્ષા અધિકારીઓની હાજરીમાં જ તેની કાયદેસર પૂછપરછ કરવામાં આવશે. સગીર વયના બાળકના હાથમાં આટલું મોટું વાહન કેવી રીતે આવ્યું અને અકસ્માત પાછળનું અસલી કારણ શું હતું ? તે દિશામાં સ્થાનિક પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.