Sat Jul 04 2026

Logo

પોર્ટુગલનો ક્રોએશિયા સામેનો વિજય ડિયોગો જૉટાને અર્પણઃ રોનાલ્ડોએ `7' નંબર બાદ `21' નંબરની જર્સી પહેરી

Toronto   2026-07-03 22:41:49
Author: Ajay Motiwala
Article Image

AP


ટૉરન્ટો (કૅનેડા)ઃ યુરોપના પોર્ટુગલ દેશની ફૂટબૉલ ટીમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે અને એના કૅપ્ટન તથા સૉકર સુપરસ્ટાર 41 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Ronaldo)ને આ વખતનો ફિફા વર્લ્ડ કપ જિતાડીને તેના આ સંભવિત અંતિમ વર્લ્ડ કપમાં શાનદાર ફેરવેલ આપવા ટીમ મક્કમ છે, પણ એ પહેલાં તેમણે તેમના ભૂતપૂર્વ ફૂટબોલર સદગત ડિયોગો જૉટાને શુક્રવારે ભારે હૃદયે યાદ કરી લીધો. પોર્ટુગલની ટીમે ક્રોએશિયા સામે 2-1થી મેળવેલી જીત જૉટાને અર્પણ કરી હતી.

28 વર્ષના ડિયોગો જૉટા (Jota)નું બરાબર એક વર્ષ પહેલાં (2025ની ત્રીજી જુલાઈએ) સ્પેનમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. યોગાનુયોગ, પોર્ટુગલની ક્રોએશિયા સામેની મૅચ ત્રીજી જુલાઈએ છે. ડિયોગો જૉટા પોર્ટુગલનો ખૂબ લોકપ્રિય ફૂટબોલર હતો. તેણે વર્ષોથી રુટ નામની જે ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપ હતી તેની સાથે લગ્ન કર્યાં એના 11 દિવસ બાદ જૉટાનું અને તેના ભાઈ આન્દ્રે સિલ્વાના કાર ઍક્સિડન્ટમાં મૃત્યુ થયા હતા.

જૉટાનું 21 નંબરનું જર્સી હવે નેવીઝ નામનો ખેલાડી પહેરીને રમે છે. જોકે `7' નંબરનું જર્સી પહેરીને રમતા રોનાલ્ડોએ શુક્રવારે ક્રોએશિયા સામેના વિજય બાદ `21' નંબરનું જર્સી પહેર્યું હતું અને મિત્રને યાદ કરીને રડ્યો હતો. રોનાલ્ડોએ આ મૅચમાં પેનલ્ટી કિકથી એક ગોલ કર્યો હતો. તે પૂરી મૅચ નહોતો રમ્યો અને તેની ગેરહાજરીમાં પોર્ટુગલની ટીમે છેવટે વિજય મેળવી લીધો હતો. રોનાલ્ડોએ જીત્યા બાદ પોતાની મૅચની જર્સી એક સ્ટૅન્ડ પાસે જઈને ડૉનેટ કરી દીધી હતી.

પોર્ટુગલના ખેલાડી નેવીઝે એક મુલાકાતમાં કહ્યું, `અમે ડિયોગો અને તેની ગર્લફ્રેન્ડ રુટ સાથે વૉટ્સઍપ ગ્રૂપ બનાવ્યું હતું જે હજી પણ અમે ચાલુ રાખ્યું છે અને એના પર અમારું ચૅટિંગ ચાલુ જ હોય છે. જ્યારે કંઈક સ્પેશ્યલ બને ત્યારે અમે એ ગ્રૂપમાં શૅર કરીએ છીએ.'

મિત્ર મૉડ્રિચ સાથેની હરીફાઈ રોનાલ્ડો જીત્યો

વર્લ્ડ કપમાં પોર્ટુગલની તરફેણ કરતા અસંખ્ય ફૂટબૉલપ્રેમીઓ ખાસ ત્રીજી જુલાઈની મૅચ જોવા માટે ટૉરન્ટો પહોંચી ગયા હતા. પોર્ટુગલ-ક્રોએશિયા વચ્ચે કુલ 11 મૅચ રમાઈ છે જેમાંથી આઠ પોર્ટુગલે અને એક ક્રોએશિયાએ જીતી છે અને બાકીની બે મૅચ ડ્રૉમાં પરિણમી છે. રોનાલ્ડો અને ક્રોએશિયાના લુકા મૉડ્રિચ વચ્ચે ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ શુક્રવારની મૅચમાં થઈ હતી જેમાં રોનાલ્ડો જીત્યો હતો. રિયલ મૅડ્રિડના આ બન્ને ભૂતપૂર્વ ખેલાડીનો આ લગભગ છેલ્લો વર્લ્ડ કપ છે.